Gujarat

વડોદરામાં ફાઈનાન્સ કંપનીની પૂર્વ મહિલા કર્મચારી દ્વારા ઠગાઈ

વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં આવેલી ખાનગી ફાઈનાન્સ કંપનીની મહિલા કર્મચારીએ નોકરી છોડ્યા બાદ ગ્રાહકો પાસેથી વસૂલ કરેલા હપ્તા અને લોન ક્લોઝ કરાવવા 1.21 લાખ રૂપિયા ઉઘરાવ્યા હતાં. પરંતુ, માત્ર 29 હજાર જ ભરી બાકીના 92 હજાર રૂપિયા નહી જમા કરાવી છેતરપીંડી આચરવામાં આવી છે, જેથી ઠગ મહિલા કર્મચારી સામે ઠગાઈ ફરિયાદ નોંધાઈ છે.

વડોદરાના ફતેગંજ વિસ્તારમાં આવેલી પહલ ફાઇનાન્સ સર્વિસ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના બ્રાંચ મેનેજર મુકેશભાઈ અગ્રવાલે નોંધાવેલી ફરીયાદ પ્રમાણે કેશાબેન સુરેશભાઈ કાછીયા નામની મહિલા વર્ષ 2020થી કંપનીમાં ફિલ્ડ ઓફિસર તરીકે કાર્યરત હતી.

તે મહિલાઓના ગ્રુપ બનાવી લોન આપતી અને દર મહિને હપ્તા વસૂલવાની જવાબદારી સંભાળતી હતી. ડિસેમ્બર 2024માં રાજીનામું આપ્યા બાદ નવા સ્ટાફને માહિતી ન હોવાથી જૂના ગ્રાહકો સાથે તપાસ કરતા ચોંકાવનારી હકીકતો સામે આવી હતી.

ગ્રાહકો પાસેથી મળેલી માહિતી મુજબ, અનેક લોકોએ નિયમિત હપ્તા તેમજ લોન ક્લોઝિંગ માટેની રકમ કેશાબેનને ચુકવી હોવા છતાં તે રકમ કંપનીના ખાતામાં જમા કરાવવામાં આવી નહોતી. મહિલા આરોપીએ 1.21 લાખ રૂપિયા ગ્રાહકો પાસેથી મેળવ્યા હોવા છતાં કંપનીમાં જમા કરાવી નહોતી. જેમાંથી માત્ર આશરે રૂ.29 હજાર જમા કરાવ્યા હતા. જ્યારે બાકીની મોટી રકમ પોતાના ઉપયોગમાં લીધી હોવાનો આક્ષેપ છે.