Gujarat

મોરબીના વીસીપરામાં કચરાના ઢગમાં આગ પવનને પગલે આગ વધુ પ્રસરતા ફફડાટ ફેલાયો

મોરબી શહેર અને આસપાસના વિસ્તારોમાં છેલ્લા ચાર દિવસથી રોજે રોજ આગના બનાવો સામે આવી રહ્યા છે અને કચરાના ઢગલામાં અચાનક આગ ભભુકી ઊઠતા ફાયર ફાઇટર્સને દોડવું પડી રહ્યું છે.

આજે ગુરુવારે આવો જ વધુ એક બનાવ સામે આવ્યો હતો જેમાં વીસીપરા વિસ્તારમાં આવેલા પ્રજાપતિ કારખાના પાસે આગનો બનાવ બનતા આસપાસના રહીશોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. જો કે, આગ પર સમયસર કાબૂ મેળવી લેવાતા તંત્રે અને લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો, મેદાનમાં પડેલા કચરા અને સૂકા બાવળોમાં અચાનક આગ ભભૂકી ઉઠતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગની આ ઘટનાની જાણ કરાતાં ફાયરના જવાનો દોડ્યા હતા.

પવનના વેગે આગને વધુ પ્રસરાવતા ભય‎ ગઈકાલે સાંજે 19:19 કલાકે મોરબી શહેરના વીસીપરા, પ્રજાપતિ કારખાના પાસે આવેલી ખુલ્લી જગ્યામાં કચરાના ઢગલામાં અચાનક કોઈ અગમ્ય કારણોસર આગ ભભૂકી ઊઠી હતી, આ જગ્યાએ સૂકા બાવળોનું પ્રમાણ વધારે હોવાથી અને તે સમયે ફૂંકાઇ રહેલા અતિશય તેજ પવનને કારણે જ આગે પળવારમાં જ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જોતજોતામાં આગની જ્વાળાઓ દૂર-દૂર સુધી દેખાવા લાગી હતી, જેને પગલે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.