જામનગરની સરકારી જી.જી.હોસ્પિટલ ચર્ચામાં રહેવા ટેવાયેલી હોય તેમ અવાર-નવાર વિવાદોમાં સપડાય છે. ત્યારે ફરી એક વખત બાયો મેડીકલ વેસ્ટનો હોસ્પિટલના પાછળના ભાગે ખુલ્લામાં નિકાલ કરવામાં આવતા ગાયો અને રખડતા પશુઓ આરોગતા હોવાનો વિડીયો સામે આવતા પશુ પ્રેમીઓ ભારે રોષ વ્યાપી ગયો છે. તો બીજી બાજુ હોસ્પિટલ તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે.
સરકારી જી.જી.હોસ્પિટલમાં દૈનિક 3000થી વધુ ઓપીડી હોય છે. ત્યારે બાયો વેસ્ટમાં ઇન્જેક્શનના સોયા, બ્લડથી ભીંજાયેલા કોટન, દવાઓના અવશેષ અને અન્ય જોખમી સામગ્રી હોય છે. જે માનવ સ્વાસ્થ્ય માટે હાનિકારક હોવાથી તેનો યોગ્ય નિકાલ કરવો જરૂરી બને છે. પરંતુ હોસ્પિટલ તંત્ર દ્વારા આ બાયો વેસ્ટનો નિકાલ હોસ્પિટલના પાછળના ભાગે ખુલ્લામાં પ્લાસ્ટિકની કોથળીઓ ભરીને નિકાલ કરવામાં આવ્યો હતો. તે બાયો વેસ્ટ ત્યાં બે થી ત્રણ દિવસ સુધી પડ્યો રહે છે. આ દરમિયાન ત્યાં કોઈ જવાબદાર કર્મચારી હાજર ન હોવાથી ખુલ્લામાં પડ્યો રહે છે.
આ દરમિયાન આસપાસ ફરતી ગાયો અને અન્ય પશુઓ દ્વારા આ તબીબી કચરો ખાઈ લેતી હોય છે. જે અંગેનો વિડીયો તાજેતરમાં જ વાયરલ થતાં આ ઘટના ચિંતાજનક બની છે. હોસ્પિટલનો બાયો મેડીકલ વેસ્ટ હાલ પશુઓ તેમજ માનવ સ્વાસ્થ્ય માટે અત્યંત હાનિકારક સાબિત થઈ શકે છે. હોસ્પિટલ જેવા સંવેદનશીલ સ્થળે આવી બેદરકારીથી ચેપજન્ય રોગો ફેલાવાનો ભય ઊભો થયો છે. આરોગ્ય વિભાગ દ્વારા તાત્કાલિક પગલાં લઈ બાયો વેસ્ટનો યોગ્ય નિકાલ કરે. જેથી આરોગ્ય તંત્રની આવી ઘોર બેદરકારીના કારણે હોસ્પિટલમાં આવતા દર્દીઓમાં પણ રોષની લાગણી વ્યાપી ગઈ છે.

