Gujarat

ગુજરાતની ૭૧ નગરપાલિકામાં સરકારના વહિવટદાર નિયુક્ત

ગુજરાત સરકારે રાજ્યની ૭૧ નગરપાલિકાઓમાં ચૂંટણી સુધી વહીવટ સુચારૂ રાખવા માટે વહિવટદારની નિમણૂક કરવાનો મહત્વનો ર્નિણય લીધો છે. શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા આદેશ અનુસાર, નગરપાલિકાની મુદત પૂર્ણ થયા બાદ નવી ચૂંટાયેલી સમિતિ રચાય ત્યાં સુધી સંબંધિત વિસ્તારમાં મામલતદાર અથવા પ્રાંત અધિકારીઓને વહીવટદાર તરીકે નિયુક્ત કરવામાં આવશે.

ગુજરાત નગરપાલિકા અધિનિયમ મુજબ નગરપાલિકાની મુદત પાંચ વર્ષની હોય છે અને મુદત પૂર્ણ થાય તે પહેલાં સામાન્ય ચૂંટણી યોજવાની હોય છે. રાજ્યની અનેક નગરપાલિકાઓની મુદત માર્ચ ૨૦૨૬ સુધીમાં પૂર્ણ થવાની હોવાથી વહીવટી કામકાજમાં વિક્ષેપ ન આવે તે માટે સરકાર દ્વારા આ ર્નિણય લેવામાં આવ્યો છે.

સરકારના આદેશ મુજબ પાણી, ગટર, લાઇટ, સફાઈ સહિત નાગરિકોને મળતી આવશ્યક સેવાઓ ચાલુ રહે તે માટે વહીવટદાર તમામ જરૂરી કામકાજ સંભાળશે. જાેકે તેઓ કોઈ નીતિ સંબંધિત ર્નિણય લઈ શકશે નહીં.

અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત, રાજકોટ અને ભાવનગર ઝોનની કુલ ૭૧ નગરપાલિકાઓમાં મામલતદાર અથવા પ્રાંત અધિકારીઓને વહીવટદાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. નવી ચૂંટાયેલી સમિતિઓ રચાય ત્યાં સુધી તેઓ નગરપાલિકાઓનો વહીવટ સંભાળશે.