રાજ્યના સરકારી દવાખાનાઓમાં આઉટસોર્સિંગ મારફતે કામ કરતા કર્મચારીઓના લીવ ઓન કેશના નાણાંમાં ગેરરીતિ સામે આવ્યા બાદ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ એકશનમાં આવ્યું છે. ભાવનગર અને દાહોદ જિલ્લામાં આ મામલે ગંભીર આક્ષેપો થયા બાદ વિભાગે તાત્કાલિક પગલાં લેતા ભાવનગરના તત્કાલિન વિભાગીય નાયબ નિયામક હરેશ વાળાનો ચાર્જ હટાવી ડો. કલ્પનાબેન ચૌહાણને જવાબદારી સોંપી છે. જ્યારે ભાવનગરના સીડીએચઓ ચંદ્રમણીકુમારની પોરબંદર બદલી કરી દેવામાં આવી છે. દાહોદના CDHO ઉદય ટીલાવત વિરુદ્ધ પણ તપાસના આદેશ અપાયા છે.
લીવ ઓન કેશના પૈસા એજન્સીઓને ચુકવી ગેરરીતિ આચરી
આ કેસમાં આક્ષેપ છે કે, કેટલાક અધિકારીઓએ આઉટસોર્સિંગ એજન્સીઓ સાથે સાંઠગાંઠ કરી કર્મચારીઓને મળવાના લીવ ઓન કેશના પૈસા એજન્સીઓને ચુકવી ગેરરીતિ આચરી છે. સમગ્ર મામલે રાજકોટ અને વડોદરા વિભાગીય નાયબ નિયામકોને અલગ-અલગ તપાસ સોંપવામાં આવી છે.
વિભાગમાં ચાલતા ભ્રષ્ટાચાર પર કાબૂ મેળવવામાં મદદ મળશે
ગુજરાત જનતા જાગૃતિ મંચના પ્રમુખ રજનીકાંત ભારતીયે સરકારની કાર્યવાહીનું સ્વાગત કરતા જણાવ્યું કે, આ પગલાંથી વિભાગમાં ચાલતા ભ્રષ્ટાચાર પર કાબૂ મેળવવામાં મદદ મળશે. આ સાથે જ તેમણે અન્ય જિલ્લાઓના અધિકારીઓને ચેતવણી આપતા ૩૧ માર્ચ સુધીમાં ગેરરીતિથી ચૂકવાયેલા તમામ નાણાં એજન્સીઓ પાસેથી વસૂલ કરી કર્મચારીઓને ચૂકવવા અલ્ટીમેટમ આપ્યું છે. નહીં તો આગામી દિવસોમાં આવા અધિકારીઓ સામે ભ્રષ્ટાચારની ફરિયાદ સાથે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવવામાં આવશે.

