ગુજરાત યુનિવર્સિટીના અટલ કલામ ખાતે આયોજિત કાર્યક્રમમાં ગુજરાત યુનિવર્સિટી કન્વોકેશન સેન્ટરનું નામકરણ કરવામાં આવ્યું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કન્વોકેશન સેન્ટરને ‘વિદ્યાગૌરી નીલકંઠ સભાપુરમ’ નામ અપાયું હતું. આ પ્રસંગે કમલ રિસર્ચ પાર્કનું ઉદ્ઘાટન તેમજ herSTARTની પાંચમી આવૃત્તિનું લોન્ચિંગ પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે આજે મહિલા સશક્તિકરણના ઉમંગને ઉજવવા માટે આપણે સૌ એકત્રિત થયા છીએ. હાલનો સમય વુમન ડેવલપમેન્ટ માટેનો સુવર્ણ સમય છે અને દીકરીઓ આજે અંતરિક્ષ સુધી પોતાના કૌશલ્યનો પરચો આપી રહી છે.
આજે દેશમાં 2 લાખથી વધુ સ્ટાર્ટઅપ કાર્યરત:મુખ્યમંત્રી મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે ગુજરાત યુનિવર્સિટીમાં કન્વોકેશન સેન્ટર કાર્યરત બનવાથી વિદ્યાર્થીઓને નવી તકો મળશે. એક સમય એવો હતો જ્યારે રાજ્યમાં 500થી પણ ઓછા સ્ટાર્ટઅપ હતા, જ્યારે આજે દેશમાં 2 લાખથી વધુ સ્ટાર્ટઅપ કાર્યરત છે.
હાલના સમયમાં લગભગ 50 ટકા સ્ટાર્ટઅપમાં મહિલાઓની ભાગીદારી છે, જે મહિલા સશક્તિકરણની દિશામાં મહત્વપૂર્ણ પગલું છે. સરકાર દ્વારા ‘herSTART’ નામના પ્લેટફોર્મની શરૂઆત પણ કરવામાં આવી છે, જેના માધ્યમથી મહિલાઓને સ્ટાર્ટઅપ ક્ષેત્રે આગળ વધવાની તકો મળશે.
‘મહિલાઓ પણ સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં આગળ વધશે’ સરકારે અત્યાર સુધીમાં 68 કરોડ રૂપિયાથી વધુની સહાય પણ આપી છે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે ભારત ગ્રીન ગ્રોથ અને સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં ઝડપથી આગળ વધી રહ્યું છે અને herSTART પ્લેટફોર્મ દ્વારા મહિલાઓ પણ સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં આગળ વધશે.

