Gujarat

હર્ષ સંઘવીની ૯૩૪ લાખના ૩૬૩ વિકાસ કાર્યોને મંજૂરી

ગાંધીનગરમાં નાયબ મુખ્યમંત્રીની કલેક્ટર કચેરીએ બેઠક, જનહિતના કાર્યોમાં વિલંબ સહન કરવામાં આવશે નહીં : નાયબ મુખ્યમંત્રી

ગાંધીનગરના વિકાસને નવી ઊંચાઈએ લઈ જવા માટે નાયબ મુખ્યમંત્રી અને જિલ્લા પ્રભારી મંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન મંડળની મહત્વની બેઠક યોજાઈ હતી. આજે કલેક્ટર કચેરી ખાતે આયોજિત આ ઉચ્ચસ્તરીય બેઠકમાં વર્ષ ૨૦૨૬-૨૭ના આગામી નાણાકીય વર્ષ માટે કુલ ૩૬૩ વિકાસલક્ષી કાર્યોનું માળખું તૈયાર કરી તેને બહાલી આપવામાં આવી હતી. આ આયોજન હેઠળ જિલ્લાના વિવિધ ક્ષેત્રો માટે ૯૩૪ લાખથી વધુની ગ્રાન્ટ ફાળવવાનો પ્રજાલક્ષી ર્નિણય લેવાયો છે.

નાયબ મુખ્યમંત્રીની વહીવટી તંત્રને સ્પષ્ટ અને કડક સૂચના

આ બેઠક દરમિયાન નાયબ મુખ્યમંત્રીએ વહીવટી તંત્રને સ્પષ્ટ અને કડક સૂચના આપતા જણાવ્યું હતું કે, જનહિતના કાર્યોમાં વહીવટી શિથિલતા કે નાની ટેકનિકલ ખામીઓને કારણે વિલંબ સહન કરવામાં આવશે નહીં. તેમણે ભારપૂર્વક કહ્યું કે, કોઈ પણ સરકારી પ્રક્રિયામાં આવતી તકનીકી એરર સામાન્ય જનતાના વિકાસ આડે અવરોધ ન બનવી જાેઈએ.

શિક્ષણ, આરોગ્ય, પીવાનું પાણી, રોડ-રસ્તાના કામો પર ધ્યાન કેન્દ્રિત

તેમણે અધિકારીઓને પરસ્પર સંકલન સાધીને તમામ પ્રકલ્પો સમયમર્યાદામાં પૂર્ણ કરવા અને વિકાસની ગતિને વેગ આપવા તેમણે આદેશ આપ્યા હતા. આ આયોજન અંતર્ગત ખાસ કરીને શિક્ષણ, આરોગ્ય, પીવાનું પાણી, રોડ-રસ્તા અને ગંદા વસવાટોના સુધારણા જેવા પાયાના ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.

૯૩૪ લાખની ફાળવણી સાથે ૩૬૩ કામોને મંજૂરી

જે અન્વયે કુલ ૯૫૦ લાખના સૂચિત કામોમાંથી ૯૩૪.૨૩ લાખની ફાળવણી સાથે ૩૬૩ કામોને મંજૂરી અપાઈ છે. જેમાં તાલુકા કક્ષાની વિવેકાધીન ગ્રાન્ટ, ખાસ અંગભૂત યોજના અને નગરપાલિકા કક્ષાની ગ્રાન્ટનો સમાવેશ થાય છે. આ બેઠકમાં ગાંધીનગરના મેયર મીરાબેન પટેલ, સાંસદ હરિભાઈ પટેલ, ધારાસભ્યો અલ્પેશ ઠાકોર, રીટાબેન પટેલ સહિતના ઉચ્ચ પદાધિકારીઓ અને જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.