Gujarat

ધોળકાના સરંડી ગામમાંથી ડિગ્રી વગર એલોપેથીક સારવાર કરતો ઝડપાયો

અમદાવાદ ગ્રામ્ય પોલીસની એસ.ઓ.જી. ટીમે ધોળકા તાલુકાના સરંડી ગામમાંથી એક બોગસ ડોક્ટરને ઝડપી પાડ્યો છે. આ વ્યક્તિ માન્ય ડિગ્રી વગર એલોપેથીક સારવાર કરતો હતો અને ગેરકાયદેસર દવાઓ આપતો હતો. આરોપીનું નામ સુજીતરાય રતનરાય રોય છે. તે હાલ સરંડી ગામ, તા. ધોળકા, જી. અમદાવાદનો રહેવાસી છે અને મૂળ પશ્ચિમ બંગાળ રાજ્યનો છે.

અમદાવાદ ગ્રામ્ય પોલીસના અધિકારીઓના માર્ગદર્શન હેઠળ, એસ.ઓ.જી. ટીમને ચોક્કસ માહિતી મળતા મેડિકલ ઓફિસર સાથે સંકલન કરીને દરોડો પાડવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન, જુદી-જુદી કંપનીઓની એલોપેથીક દવાઓ અને મેડિકલ સાધનો સહિત કુલ ₹44,818 ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.

આ મામલે ધોળકા રૂરલ પોલીસ સ્ટેશનમાં ગુજરાત રજીસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટિસ એક્ટ, 1963 ની કલમ 30 હેઠળ FIR નોંધવામાં આવી છે. આ કામગીરીમાં એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ્પેક્ટર, એએસઆઈ, હેડ કોન્સ્ટેબલ અને અન્ય સ્ટાફ જોડાયા હતા.