Gujarat

હારિજમાં હિન્દુ- મુસ્લિમ બિરાદરોએ ભેગા ‎મળી ઝાપટપુરા નામ રાખવા રજૂઆત કરી‎

હારિજ શહેરના વોર્ડ નંબર 4 માં આવેલા ઐતિહાસિક “ઝાપટપુરા” વિસ્તારનું નામ સરકારી રેકોર્ડ અને કેટલાક દસ્તાવેજોમાં બદલાઈને “ઇસ્લામપુરા” થઈ જતાં વિવાદ સર્જાયો હતો. જોકે, આ મુદ્દે કોઈપણ પ્રકારનો વૈમનસ્ય ફેલાવવાને બદલે સ્થાનિક હિન્દુ અને મુસ્લિમ સમુદાયે અનોખી સમરસતા દાખવી છે. વર્ષોથી ભાઈચારા સાથે રહેતા બંને સમાજના અગ્રણીઓ અને રહીશોએ સંયુક્ત રીતે મામલતદારને આવેદનપત્ર પાઠવીને વિસ્તારનું મૂળ નામ “ઝાપટપુરા” જ યથાવત રાખવાની માંગ કરી છે.

મજૂરી કામ પર નિર્ભર એવા મધ્યમ અને ગરીબ વર્ગના પરિવારો ધરાવતા આ વિસ્તારમાં તાજેતરમાં રેશનકાર્ડ તેમજ અન્ય ઓળખપત્રો જેવા સરકારી દસ્તાવેજોમાં “ઇસ્લામપુરા” નામ દર્શાવવામાં આવતાં સ્થાનિક હિન્દુ પરિવારો અને વીએચપી-બજરંગદળ દ્વારા રજૂઆત કરાઈ હતી. આ સંવેદનશીલ મુદ્દાને સમજદારીપૂર્વક ઉકેલવા માટે મુસ્લિમ સમાજના અગ્રણીઓ પણ હિન્દુ બિરાદરો સાથે જોડાયા હતા.રહીશોએ જણાવ્યું કે, પરંપરાગત રીતે કાયમથી આ વિસ્તાર “ઝાપટપુરા” તરીકે જ ઓળખાય છે.