અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર હેડ્રોપોનિક ગાંજાની દાણચોરીના કિસ્સાઓ સતત વધતાં જઈ રહ્યાં છે. આ ગુનામાં સજાની કડક જોગવાઈ હોવા છતાં આ ગાંજાની ડિમાન્ડને કારણે દાણચોરીના કેસો ઘટવાનું નામ લેતાં નથી. આ દરમિયાન આજે સવારે વિયેટ જેટ એરલાઇન્સની ફ્લાઇટ નં. વીઝેડ- 750 દ્વારા બેંગકોક (ડોન મુઆંગ)થી અમદાવાદ આવી રહેલા બે મુસાફરો ગાંજાના જથ્થા સાથે ઝડપાયા હતા.
મુસાફરો પાસેથી બે કિલોથી વધુ વજનનો ગાંજો મળી આવ્યો DRI તરફથી મળેલી ચોક્કસ ગુપ્ત માહિતીના આધારે, એઆઈયુ, અમદાવાદના અધિકારીઓએ વિયેટ જેટ એરલાઇન્સની ફ્લાઇટ નં. વીઝેડ- 750 દ્વારા બેંગકોક (ડોન મુઆંગ)થી અમદાવાદ આવી રહેલા બે ભારતીય નાગરિકોને અટકાવ્યા હતા. તેમની પાસેથી બે કિલોથી વધુ વજનનો ગાંજો મળી આવ્યો હતો. તેની આંતરરાષ્ટ્રીય બજારમાં બે કરોડથી વધુ કિંમત થવા જાય છે.

મુસાફરો ગાંજો કોના માટે અને કોની પાસેથી લાવ્યા તે દિશામાં તપાસ શરૂ મુસાફરોના સામાનની ઝીણવટભરી તપાસમાં આઠ વેક્યુમ-સીલબંધ પ્લાસ્ટિક પેકેટ મળી આવ્યા હતા, જેમાં લીલા રંગનો પદાર્થ હતો.
પરીક્ષણ કરાવતાં આ પદાર્થ હાઇડ્રોપોનિક ગાંજો હોવાની પુષ્ટિ થઈ હતી અને કુલ 2.254 કિલો પ્રતિબંધિત વસ્તુ જપ્ત કરવામાં આવી હતી. બંને મુસાફરોની NDPS એક્ટ, 1985ની જોગવાઈઓ હેઠળ ધરપકડ કરવામાં આવી છે. આ બંને આરોપીઓ મધ્યપ્રદેશના જબલપુરના છે. તેઓ કોના માટે અને કોની પાસેથી લાવ્યા હતા તે દિશામાં કસ્ટમ વિભાગે તપાસ હાથ ધરી છે.

