રાજકોટ શહેર નજીક જીયાણા ગામમાં ફોન ન ઉપાડવા બાબતે ઝઘડો કરી મારે બીજી પત્ની કરવી છે તેમ કહી પતિએ પત્નીને લોખંડના પાઈપથી માર મારી હાથ-પગ ભાંગી નાંખ્યા હતાં. બનાવ અંગે કુવાડવા પોલીસમાં મહિલાના ભાઈએ ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.
રાજકોટ નજીક જીયાણા ગામે રહેતા દીપકભાઈ જેસીંગભાઇ જખાણીયા (ઉં.વ.35)એ કુવાડવા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં તેના બનેવી લાલા બાબુ વાજેલિયાનું નામ આપી જણાવ્યું હતું કે, સૌથી નાની બહેન નાગલપર સાસરે છે તેમણે સંતાનમાં બે દીકરા અને એક દીકરી છે.
ગત તા.24ના રોજ સાંજના 7 વાગ્યે નાગલપરમાં રહેતા તેના માસી જમનાબેનનો ફોન આવ્યો હતો કે, તેની બહેન અને તેના પતિ લાલા વાજેલીયા વચ્ચે ઝઘડો થયો છે તુ જલ્દીથી અહીં આવી જા આથી યુવક અને તેના પિતા બહેનના ઘરે જવા નીકળી ગયા હતા.
ઘર પહોંચ્યા બાદ બહેન સાથે વાત કરતા બહેને જણાવ્યું હતું કે, તે ઘરે એકલી હતી અને રોટલી બનાવતી હતી ત્યારે બનેવીએ બહારથી આવીને કહ્યું કે, તું ફોન કેમ ઉપાડતી નથી મેં તને બે ફોન કરેલા, તું તારા ઘરે જતી રહેજે, જોતી નથી, મારે બીજી પત્ની કરવી છે, આટલું કહી ગાળો આપવા લાગ્યા હતા અને ઢીકાપાટુનો માર મારી ઘરમાં પડેલ લોખંડના પાઇપથી હાથ પગમાં માર માર્યો હતો. બનેવીએ બહેનને માર મારતા ભાઈ જીયાણા ગામે પોતાની ઘરે લઈ આવ્યો હતો.

