મહેસાણાના શોભાસણ રોડના રહીશોની હાલાકી મુદ્દે કોંગ્રેસ દ્વારા કલેક્ટરને રજૂઆત કરાઈ
મહેસાણા શહેરના શોભાસણ રોડ પર રહેતા ૪૦૦૦થી વધુ પરિવારો છેલ્લા લાંબા સમયથી પાયાની સુવિધાઓ અને રોડના પ્રશ્ને ભારે હાલાકી ભોગવી રહ્યા છે. આ બાબતે મહેસાણા જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી સાજીદખાન પઠાણ અને ભૌતિક ભટ્ટ દ્વારા મહેસાણા કલેક્ટરને લેખિતમાં ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે. કોંગ્રેસના નેતાઓએ ચીમકી ઉચ્ચારી છે કે જાે આગામી ૫ દિવસમાં રોડનું કામ શરૂ કરવામાં નહીં આવે તો કોર્પોરેશન કચેરીને તાળાબંધી કરવામાં આવશે.
ચાર ગામોને જાેડતો આ રસ્તો વાહનચાલકો માટે જાેખમી બન્યો
રજૂઆતમાં જણાવ્યા અનુસાર મહેસાણા કોર્પોરેશન દ્વારા અન્ય વિસ્તારોની સરખામણીએ શોભાસણ રોડ વિસ્તારનો વિકાસ અત્યંત ધીમી ગતિએ કરવામાં આવી રહ્યો છે. હાલમાં જે રોડ બનાવવાની કામગીરી ચાલી રહી છે. તે છેલ્લા ત્રણ મહિનાથી અધવચ્ચે લટકી રહી છે. કોન્ટ્રાક્ટર દ્વારા માત્ર કપચી પાથરીને કામ પડતું મૂકી દેવાતા આ માર્ગ અન્ય ચાર ગામોને જાેડતો હોવાથી વાહનચાલકો માટે જાેખમી બન્યો છે. મોટા ખાડાઓ અને કપચીના ઢગલાઓને કારણે કોઈ મોટા ગમખ્વાર અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે.
૫ દિવસની અંદર આ રોડનું કામ ચાલુ નહી થાય તો કોર્પોરેશનને તાળાબંધી કરવામાં આવશે
કોંગ્રેસના અગ્રણીઓએ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું છે કે, કોન્ટ્રાક્ટર દ્વારા મુખ્ય રોડનું કામ અધૂરું છોડી દેવામાં આવ્યું છે પરંતુ, કેટલીક નવી સ્કીમોના બિલ્ડરો સાથે મિલીભગત કરીને તેમની સોસાયટીઓના રોડ પૂરા કરી દેવામાં આવ્યા છે.કોર્પોરેશનના અધિકારીઓની આશીર્વાદ વગર આવો ભેદભાવભર્યો વહીવટ શક્ય નથી તેવો પ્રહાર પણ પત્રમાં કરવામાં આવ્યો છે.
નિયમિત વેરો ભરતી જનતાના હિતમાં કોંગ્રેસે સ્પષ્ટ કર્યું છે કે, જાે ૫ દિવસની અંદર આ રોડનું નવીનીકરણ કાર્ય પૂર્ણ ગતિએ શરૂ કરવામાં નહીં આવે તો સ્થાનિક રહીશોને સાથે રાખીને મહેસાણા કોર્પોરેશનને તાળાબંધી કરવામાં આવશે અને ઉગ્ર આંદોલન છેડવામાં આવશે.

