Gujarat

અમદાવાદમાં પોલીસ-પડોશીના ત્રાસથી ભાઈ-બહેને ઝેરી દવા પીધી

અમદાવાદના ગોમતીપુર પોલીસ દ્વારા પડોશી સાથેના ઝઘડામાં યુવતીની ફરિયાદ લેવામાં ન આવતા બંને ભાઈ-બહેને ઝેરી દવા પીતો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો છે. બંને ભાઈ-બહેને જાહેર રોડ ઉપર ઝેરી દવા પી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. યુવતી અને તેના ભાઈએ રડતા રડતા વીડિયો બનાવી આક્ષેપ કર્યો છે કે ગોમતીપુર પોલીસ સ્ટેશન દ્વારા અમારી રજૂઆત સાંભળવામાં આવી નથી. મારી છેડતી કરવામાં આવી છે અને મારા ભાઈને માર્યો છે છતાં પણ પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી, જેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને અમિત શાહને અરજ છે કે અમને ન્યાય આપવામાં આવે.

ગોમતીપુર પોલીસ સ્ટેશનના પીઆઈ ડી.વી.રાણાએ જણાવ્યું હતું કે જે ઘટના બની તે દિવસે તેઓ હોસ્પિટલમાં દાખલ થયા હતા ત્યારે અમારા પોલીસ સ્ટેશનના ઇન્વેના માણસો ફરિયાદ લેવા માટે ગયા હતા, પરંતુ તેઓ સારવાર લઈ રજા લઈને ઘરે જતા રહ્યા હતા. ત્યારબાદ જે બે નંબર આપવામાં આવ્યા હતા તે બંને નંબર ઉપર ફોન કરવામાં આવ્યો ત્યારે બંને મોબાઈલ ફોન સ્વીચ ઓફ હતા. ત્યારબાદ આખા દિવસ કોઈ રજૂઆત કરવા આવ્યા નથી અને રાત્રે જ્યારે આ બાબતે હોસ્પિટલમાં દાખલ થયા ત્યારે મહેબુબભાઇની ફરિયાદ લઈ લીધી છે. ગોમતીપુર પોલીસે રજૂઆત સાંભળી ન હોવાના જે આક્ષેપો કરવામાં આવ્યા છે તે ખોટા છે.

શહેરના ગોમતીપુર વિસ્તારમાં રહેતા ભાઈ-બહેને ઝેરી દવા પીને રડતા રડતા પોતાની આપવીતી કહેતો વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો છે. તેમાં કહ્યું છે કે મેં ગોમતીપુર પોલીસમાં માનસિક ત્રાસ અંગેની ફરિયાદ કરી હતી. ગોમતીપુર પોલીસ અમારી રજૂઆત સાંભળતી નથી. હું ફરિયાદ કરવા માટે ગઈ હતી, પરંતુ કોઈ સાંભળતું નથી. ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં માનસિક ત્રાસની ફરિયાદ કરવા જઉં છું પણ કોઈ સાંભળતું નથી. સામેવાળાએ મારી ઈજ્જત ઉપર હાથ નાખ્યો છે. સામેવાળાનું સાંભળવામાં આવે છે એના કારણે અમારા પરિવારજનોને જેલમાં નાખવાની વાત કરવામાં આવી છે. મારા નાના ભાઈને માર્યો છે. મને અને મારા પરિવારજનો તેમજ મારા બંને ભાઈઓને સામેવાળાએ માર માર્યો છે. હું આ વીડિયો બનાવી રહી છું. અમારા નામની ફરિયાદ કરી છે અને મારા ભાઈને જેલ મોકલી આપવામાં આવ્યો છે.

હું આ મારા હોશો હવાસમાં વીડિયો બનાવી રહી છું અને ઝેર પી રહી છું. અમે બંને ભાઈ-બહેન ઝેર પી રહ્યા છીએ અને તેના જવાબદાર ગોમતીપુર પોલીસ અને સામેવાળો છોકરો અને તેના પરિવારજનો રહેશે. અમે પીવા જઇ રહ્યા છીએ. મારા પિતા હાર્ટ અટેકના દર્દી છે અને તેમની સામે ફરિયાદ કરી છે. અમને ન્યાય અપાવજાે અમે પુરા હોશો હવાસમાં ઝેર પીવા જઇ રહ્યા છીએ. જે છોકરાએ મારી ઈજ્જત ઉપર હાથ નાખ્યો છે તેના પરિવારજનો જવાબદાર છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને અરજ છે કે અમારી રજૂઆત સાંભળવામાં આવે. અમિત શાહને અરજ છે અને ગુજરાતના જેટલા પણ નેતા છે તેમને અમે રજૂઆત કરીએ છીએ કે બંને ભાઈ-બહેનો અને અમારા પરિવારની રજૂઆત સાંભળવામાં આવે અમે છેલ્લા કેટલાય દિવસથી ભટકી રહ્યા છીએ.રડતા રડતા યુવતી અને તેના ભાઈએ કહ્યું હતું કે, અમે છેલ્લા કેટલાય દિવસથી ભટકી રહ્યા છીએ. મારી માતા પોલીસ સ્ટેશન જાય છે તો તેમને કહે છે કે તમારા છોકરાઓને બોલાવી લાવો અમે તેમની ધરપકડ કરીશું. તમારી કોઈ રજૂઆત નહીં સાંભળવામાં આવે. અમે ઘરે નથી જઈ શકતા અમે કેટલાય દિવસથી ખાધું નથી. મારા પિતા હાર્ટ અટેકના દર્દી છે અમે ભટકી રહ્યા છીએ. અમે ઘરે નથી જઈ શકતા. પુરા હોસ હવાસમાં વીડિયો બનાવી રહ્યા છીએ.

બંને ભાઈ-બહેને ૩૧ માર્ચના રોજ વીડિયો બનાવ્યો હોવાનું જાણવા મળ્યું છે. બંને ભાઈ-બહેને આ વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો હતો. ફિનાઈલ જેવું પ્રવાહી પી લેતા તેઓને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. બંને ભાઈ-બહેને આપઘાતનો પ્રયાસ કરતા ગોમતીપુર પોલીસ તાત્કાલિક દોડતી થઈ હતી. આ મામલે સામેવાળાએ ફરિયાદ નોંધાવતા શરાફત ઉર્ફે બોબી નામના શખ્સની ધરપકડ કરવામાં આવી હતી જેથી પીડિત ભાઈ-બહેનને મનમાં લાગી આવતા ગોમતીપુર વિસ્તારમાં જ ક્યાંક ફીનાઇલ પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ સમગ્ર મામલે ગોમતીપુર પોલીસે ગુનો નોંધવાની કાર્યવાહી કરી હતી.