ધોળકા શહેર અને તાલુકાની આંગણવાડી કાર્યકર બહેનો અને હેલ્પર બહેનો પોતાની પડતર માંગણીઓ સંદર્ભે તા.18 માર્ચ 2026થી ત્રણ દિવસીય હડતાલ પર ઉતર્યાં છે. હડતાલના બીજા દિવસે, તા.19 માર્ચ 2026 ગુરુવારે સવારે 11-00 કલાકે મોટી સંખ્યામાં બહેનો ધોળકા જુના બસ સ્ટેન્ડ ખાતે એકત્રિત થયા હતા અને ત્યાંથી સૂત્રોચ્ચાર સાથે વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ રેલી શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ તાલુકા સેવા સદન બિલ્ડિંગ કમ્પાઉન્ડ સુધી પહોંચી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન બહેનો દ્વારા સરકાર વિરુદ્ધ નારા લગાવી પોતાની લાંબા સમયથી બાકી રહેલી માંગણીઓ અંગે ઉગ્ર અવાજ ઉઠાવવામાં આવ્યો હતો.
આંદોલન દરમિયાન સંઘ દ્વારા રજૂ કરાયેલા આવેદનપત્રમાં જણાવાયું હતું કે, આંગણવાડી વર્કર અને હેલ્પર બહેનો વર્ષોથી ન્યૂન વેતન, વધતા કામના બોજ અને પૂરતી સુવિધાઓના અભાવ જેવી ગંભીર સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. અનેક વખત રજૂઆતો છતાં યોગ્ય નિરાકરણ ન મળતાં હવે હડતાલનો માર્ગ અપનાવવામાં આવ્યો છે.

