જામનગર શહેરમાં શ્રમિક પરિવાર ઘરને તાળા મારીને લગ્નમાં ગયોને ધોળા દિવસે તસ્કરો ત્રાટકીને સોના-ચાંદીના દાગીના મળીને કુલ રૂ.67 હજારના મુદામાલની ચોરી કરી ગયાની ફરિયાદના ગણતરીની કલાકોમાં જ એલસીબીએ ઉકેલી નાંખીને એક શખસની ધરપકડ કરી છે અને એક લાખ ઉપરાંતનો મુદામાલ કબજે કરવામાં આવ્યો છે.
શહેરના વુલન મિલ નજીક સિદ્ધાર્થ નગર માં રહેતા પ્રવીણભાઈ નારાણભાઈ બગડા (ઉ.વ.42) નામના શ્રમિક યુવાન ગત તા.5ના રોજના રોજ લાલપુર તાલુકાના પીપળી ગામમાં પોતાના કુટુંબી સાળાના લગ્ન હોવાથી પત્ની અને ત્રણ સંતાનો સાથે ગયા હતા. સવારના 10 મકાનને તાળા મારીને નિકળ્યાને બપોરે 4 વાગ્યા સુધીમાં તસ્કરો તાળા તોડી અંદર ઘુસીને સોના-ચાંદીના દાગીના મળીને કુલ રૂ.67 હજારના મુદામાલની ચોરી કરી ગયા હતા. જે અંગેની ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી.
આ દરમિયાન એલસીબીના કિશોરભાઈ પરમાર, ભરત ડાંગર અને અરજણભાઈ કોડીયાતરને મળેલી બાતમી મળી હતી કે, ચોરીમાં શની જેસીંગભાઈ કોળી બાવરી (રે.દિગ્જામ ર્સકલપાસે બાવરીવાસ) નામનો શખસ સંડોવાયેલો છે અને તે હાલ ચોરીના મુદામાલ પાસે શહેરના બાવરીવાસ ખુલ્લી ફાટક પાસે ઉભો છે.
જેથી એલસીબીની ટીમે દરોડો પાડીને શનીને ઝડપી લીધો હતો. તેના કબજામાંથી ચોરાઉ સોનાના રૂ.92 હજારના દાગીના તેમજ રૂ.8,500ની કિંમતના ચાંદીના દાગીના મળીને કુલ રૂ.1,00,500નો મુદામાલ કબજે કરવામાં આવ્યો છે.

