Gujarat

જામનગરમાં કચરા ગાડી હડફેટે માતા-પુત્રી ઘાયલ

જામનગરના નુરી ચોકડી પાસે વહેલી સવારે કચરા ગાડીની અડફેટે એક એક્ટિવા સ્કૂટર આવી ગયું હતું. આ અકસ્માતમાં સ્કૂટર પર સવાર માતા-પુત્રી ઘાયલ થયા હતા. જીજે 10 ઈ.ડી. 4291 નંબરના એક્ટિવા સ્કૂટરમાં ગીતાબેન યોગેશભાઈ અસવાર પોતાની પુત્રી સાથે નોકરી પર જઈ રહ્યા હતા. નુરી ચોકડી પાસેથી પસાર થતી વખતે જી.જે. 20 વાય 5274 નંબરની કચરા ગાડીના ચાલકે તેમને અડફેટે લીધા હતા. સ્કૂટર કચરા ગાડીના આગળના ટાયર નીચે દબાઈ ગયું હતું.

અકસ્માતમાં ગીતાબેન અસવાર અને તેમની પુત્રી બંનેને ઈજાઓ થઈ હતી. તેમને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત સર્જી કચરા ગાડીનો ચાલક પોતાનું વાહન સ્થળ પર છોડીને ફરાર થઈ ગયો હતો.

આ ઘટના બાદ કેટલાક નાગરિકોએ એકત્ર થઈ આક્રોશ વ્યક્ત કર્યો હતો અને કચરા ગાડીના તમામ ટાયરોની હવા કાઢી નાખી હતી. અકસ્માતની જાણ થતાં સીટી એ. ડિવિઝનનો પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી છે.