જામનગરના રામેશ્વરનગર વિસ્તારમાં ‘તું અમારી વાતો કરે છે’ તેવી શંકા રાખી પાંચ શખ્સોએ એક યુવાન પર તલવાર અને લોખંડના પાઇપ વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં યુવાનને ગંભીર ઇજાઓ થતાં તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ ઘટના 4 માર્ચ, 2025ના રોજ બપોરે આશરે 2:30 વાગ્યે રામેશ્વરનગર વિસ્તારમાં માટેલ પાન પાસે બની હતી. ફરિયાદી મોસીનભાઈ રહીમભાઈ ઠેબા (ઉં.32), જે મજૂરી કામ કરે છે અને કૃષ્ણા પાર્ક શેરી નં.3માં રહે છે, તેઓ માટેલ પાન પાસે મસાલો ખાવા ઊભા હતા.
આ દરમિયાન આરોપી ઇન્દ્રજીતસિંહ જયેન્દ્રસિંહ અને મિતરાજસિંહ જયેન્દ્રસિંહ પોતાની એક્સેસ મોટરસાયકલ પર ત્યાં આવ્યા હતા. તેઓએ મોસીનભાઈ પર આરોપ મૂક્યો કે ‘તું અમારી વાતો કરે છે, તને આ વિસ્તારમાં રહેવું નથી લાગતું.’ મોસીનભાઈએ શાંતિથી જવાબ આપ્યો કે તેમણે કોઈની વાત કરી નથી અને કદાચ કોઈએ ખોટી માહિતી આપી છે.
પરંતુ આરોપીઓ ઉશ્કેરાઈ ગયા અને ગાળો આપવા લાગ્યા. મોસીનભાઈએ ગાળો બોલવાનું અટકાવતાં જ આરોપી નં.1 મોટરસાયકલમાંથી બે તલવાર કાઢી લાવ્યો. એક તલવાર પોતે રાખી અને બીજી આરોપી નં.2ને આપી. બાદમાં બંનેએ મોસીનભાઈ પર હુમલો કર્યો. મોસીનભાઈએ પોતાને બચાવવા હાથ આગળ રાખતાં ડાબા હાથના કોણી અને નીચેના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી અને લોહી વહેવા લાગ્યું.

