સુરત જિલ્લાના પલસાણા તાલુકાના અંત્રોલી ગામમાં પાયલબેનના પતિ પર થયેલા હુમલા અને લૂંટનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે. પોલીસે આ કેસમાં ઝડપી કાર્યવાહી કરીને ત્રણ મુખ્ય આરોપીઓની ધરપકડ કરી છે.

પોલીસે મુકેશ રણછોડભાઈ ભરવાડ (ઉ.વ. 25), ભાવીન ઉર્ફે ભાઉ મુકેશભાઈ રાણા (ઉ.વ. 19) અને કાનજીભાઈ ઉર્ફે કાનો રણછોડભાઈ ભરવાડ (ઉ.વ. 28)ની ધરપકડ કરી છે. આ તમામ આરોપીઓ ઉધનાના પરમાનંદ સોસાયટી, મદ્રાસી કમ્પાઉન્ડના રહેવાસી છે.
ગુરુવારે બપોરે પોલીસે આરોપીઓને ઘટના સ્થળે લાવીને ગુનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. કાયદાનો ભય સ્થાપિત કરવા માટે પોલીસે આરોપીઓનું જાહેરમાં સરઘસ પણ કાઢ્યું હતું.

પાયલબેનના જણાવ્યા અનુસાર, તેમના પતિ કામસર જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં એક ટેમ્પો ચાલકે અચાનક બ્રેક મારતા સામાન્ય અકસ્માત જેવી સ્થિતિ સર્જાઈ હતી. ટેમ્પોને કોઈ નુકસાન ન હોવા છતાં ટેમ્પો ચાલકે પૈસાની માંગણી શરૂ કરી હતી.

પાયલબેનના પતિએ સમજાવટથી મામલો શાંત કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, થોડી જ વારમાં ટેમ્પો ચાલકોનો ટોળો એકઠો થઈ ગયો અને આશરે 8થી 10 શખ્સોએ લાકડાના ફટકા તથા અન્ય હથિયારો વડે તેમના પતિ પર હુમલો કર્યો હતો.

