Gujarat

સુરેન્દ્રનગરમાં ચોખાના શંકાસ્પદ 46 કટ્ટા ઝડપાયા

સુરેન્દ્રનગર જિલ્લા પુરવઠા વિભાગે વઢવાણ-લખતર રોડ પર મોટી કાર્યવાહી કરી છે. કલેક્ટર કે.એસ. યાજ્ઞિકના માર્ગદર્શન હેઠળ જિલ્લા પુરવઠા અધિકારી એ.જી. ગજ્જરની ટીમે 46 કટ્ટા શંકાસ્પદ ચોખાનો જથ્થો અને એક વાહન સીઝ કર્યું છે. આ કાર્યવાહીમાં લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનાજની ગેરકાયદેસર હેરફેર અને કાળાબજારી જેવી પ્રવૃત્તિઓને રોકવા માટે કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. કલેક્ટર કે.એસ. યાજ્ઞિકના સીધા માર્ગદર્શન હેઠળ પુરવઠા વિભાગ સતત મોનિટરિંગ અને તપાસ કરી રહ્યું છે. આના ભાગરૂપે જ વઢવાણ-લખતર રોડ પર આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી.

જિલ્લા પુરવઠા અધિકારી એ.જી. ગજ્જરે માહિતી આપતા જણાવ્યું કે, પુરવઠા વિભાગની ટીમ વઢવાણ-લખતર રોડ પર સરપ્રાઈઝ ચેકિંગ કરી રહી હતી. યોગીરાજ પેટ્રોલિયમ અને ઝમર ગામ પાસેથી પસાર થઈ રહેલી GJ-03-BW-7406 નંબરની લેલન પીકઅપ ગાડી શંકાસ્પદ જણાતા તેને રોકવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં તેમાં અનાજનો મોટો જથ્થો ભરેલો હોવાનું જણાયું હતું.

વાહનચાલકની પૂછપરછ કરતા તે અનાજના જથ્થાના વહન અંગે કોઈ સત્તાવાર પરવાનગી, પાસ-પરમિટ કે માન્ય બિલ રજૂ કરી શક્યો ન હતો. ઝીણવટભરી તપાસમાં જાણવા મળ્યું કે ગાડીમાં કુલ 46 કટ્ટા ચોખા, એટલે કે અંદાજે 2311.550 કિલોગ્રામ જથ્થો, કોઈપણ માન્ય આધાર-પુરાવા વગર ગેરકાયદેસર રીતે હેરફેર કરવામાં આવી રહ્યો હતો.