Gujarat

સુરતના ગજેરા બંધુઓના કેસમાં હાઈકોર્ટે FIR રદ કરવાની માંગ ફગાવી

સુરતના જાણીતા ઉદ્યોગપતિ વસંત ગજેરા અને અન્ય આરોપીઓ વિરુદ્ધ નોંધાયેલી કરોડો રૂપિયાની છેતરપિંડી તથા દસ્તાવેજોમાં છેડછાડ મામલે હાઇકોર્ટે અરજદારોની FIR રદ કરવાની માંગણીને ફગાવી દઈ પોલીસ તપાસમાં હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કર્યો છે.

હાઈકોર્ટે આ તર્કને માન્ય રાખ્યો નથી સુરતના DCB પોલીસ સ્ટેશનમાં 22, ફેબ્રુઆરી 2026ના રોજ નોંધાયેલી આ ફરિયાદમાં અરજદારો પર 1,900 કરોડ રૂપિયાની નાણાકીય ગેરરીતિ, મની લોન્ડરિંગ અને ફરિયાદીના પરિવારની ખોટી સહીઓ કરી શેરહોલ્ડિંગ ઘટાડવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા. અરજદારોએ આ ફરિયાદને દીવાની વિવાદ ગણાવી વિલંબના આધારે રદ કરવા દલીલ કરી હતી, પરંતુ હાઈકોર્ટે આ તર્કને માન્ય રાખ્યો નથી.

FSL નો રિપોર્ટ રજૂ કરી સાબિત કર્યું હતું કે દસ્તાવેજો પરની સહીઓ બનાવટી છે આ કેસની વિગતો મુજબ ફરિયાદીએ આક્ષેપ કર્યો હતો કે, તેમની અને તેમના પરિવારની સહીઓ ખોટી રીતે દસ્તાવેજો પર કરવામાં આવી હતી, જેના કારણે તેમની કંપનીમાં શેરહોલ્ડિંગ 43% થી ઘટીને માત્ર 4% થઈ ગઈ હતી. આ ઉપરાંત ડિરેક્ટર પદના રાજીનામાના પત્રમાં પણ ખોટી સહી હોવાનો દાવો કરાયો હતો.

સુનાવણી દરમિયાન સરકારી વકીલે ગાંધીનગર FSL નો રિપોર્ટ રજૂ કરી સાબિત કર્યું હતું કે દસ્તાવેજો પરની સહીઓ બનાવટી છે અને તે અરજદારો પૈકીના એક રાકેશ ગજેરાએ કરી હોવાનો અભિપ્રાય છે. આ મહત્વના પુરાવાને ધ્યાને રાખીને હાઇકોર્ટે અવલોકન કર્યું કે જ્યારે હસ્તાક્ષર નિષ્ણાતનો રિપોર્ટ અરજદારોની વિરુદ્ધમાં હોય અને પ્રાથમિક દ્રષ્ટિએ ગુનો સાબિત થતો હોય ત્યારે તપાસમાં થયેલો વિલંબ ગૌણ બની જાય છે.