અમદાવાદની એલજી હોસ્પિટલમાં બે ડોક્ટરો અને સર્વન્ટ તેમજ ટેકનીશીયન કેજ્યુલટી વિભાગમાં સુતા હોવા અંગેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. વાઇરલ વીડિયોમાં ડોક્ટર દર્દીના ખાટલા ઉપર સૂતો જાેવા મળ્યો છે. ડોક્ટર ઉપરાંત હોસ્પિટલના સ્ટાફના બે લોકો પણ સુતા હોવાનું સામે આવ્યું છે. વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતા એલજી હોસ્પિટલ તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે તપાસ શરૂ કરવામાં આવી છે.
જે વીડિયો વાઇરલ થયો છે તે કેજ્યુલટી વિભાગના અલગ અલગ જે રૂમ આવેલા છે તેમાંના એક રૂમનો હોવાનું સામે આવ્યું છે. એલજી હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડો. લીના ડાભીએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે જે વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે જે કેજ્યુલટી વિભાગના અલગ અલગ રૂમમાં આવેલા છે તેમાના એક રૂમનો હોઈ શકે છે.
એલજી હોસ્પિટલમાં હાલમાં રીનોવેશનની કામગીરી ચાલી રહી છે જેથી ડ્યુટી રૂમ નથી તેના કારણે ડોક્ટર અને અન્ય સ્ટાફ દર્દીના ખાટલામાં સુતા હોય એવું લાગી રહ્યું છે.જાેકે દર્દીના ખાટલામાં સ્ટાફ સુઈ શકે નહીં જેથી આ સમગ્ર મામલે હાલ તપાસ શરૂ કરવામાં આવી છે બપોર બાદ ડોક્ટર અને અન્ય સ્ટાફને બોલાવીને પૂછપરછ કરી કાર્યવાહી કરાશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હોસ્પિટલ કમિટીના ચેરમેન ભરત કાકડીયાએ જણાવ્યું હતું કે, એલજી હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગમાં શનિવારે રાત્રે ઓપરેશન હતું, જે પૂર્ણ કર્યા બાદ કેટલાક ડોક્ટરો નીચે ગયા હતા અને કેટલાક ડોક્ટરો ત્યાં દર્દીઓના ખાટલામાં સૂતા હતાં. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

