રસમલાઈ અને પોપટ છાપ જેવી બ્રાન્ડેડ કંપનીઓના ગોળના નમૂના મહેસાણા જિલ્લા ફૂડ વિભાગના પરીક્ષણમાં નાપાસ થયા છે. આ બંને ગોળમાં પ્રતિબંધિત સિન્થેટિક ફૂડ કલરની માત્રા મળી આવતાં શહેરમાં બંને બ્રાન્ડના ગોળનું વેચાણ કરતી બે ડિસ્ટ્રીબ્યુટર પેઢીઓ સામે કોર્ટ કાર્યવાહી હાથ ધરાઇ છે.
બજારમાં વેચાઈ રહેલા દેશી અને સફેદ બંને ગોળમાં સિન્થેટિક ફૂડ કલર આવતો હોવાની બાતમીને આધારે જિલ્લાના ફૂડ અધિકારી વિપુલ ચૌધરી અને તેમની ટીમે છેલ્લા બે મહિનાથી મહેસાણા શહેર સહિત જિલ્લામાં વેચાણ થઈ રહેલા તમામ ગોળની સર્વે કામગીરી હાથ ધરી હતી.
સાથે ગોળના નમૂના લેવાની સ્પેશિયલ ડ્રાઈવ અંતર્ગત દેદિયાસણ જીઆઇડીસીમાં આવેલી હરિક્રિષ્ણા માર્કેટિંગ ખાતેથી ગોળના ૬ નમૂના લેવામાં આવ્યા હતા. તે પૈકી ૪ નમૂનામાં સિન્થેટિક ફૂડ કલરની માત્રા મળી આવતાં ચારેય નમૂના નાપાસ થયા હતા.
જ્યારે શહેરના માલ ગોડાઉન વિસ્તારના રામકૃષ્ણ માર્કેટમાં આવેલ પટેલ સતીશકુમાર મોહનલાલની પેઢીમાંથી લીધેલા ગોળના બે નમૂનામાં પણ આ જ સિન્થેટિક ફૂડ કલરની માત્રા મળતાં તેને પણ નાપાસ જાહેર કરાયા હતા.
જિલ્લા ફૂડ અધિકારી વિપુલ ચૌધરીએ જણાવ્યું કે, આપણે જે કેમિકલ વિનાનો દેશી ગોળ કહીએ છીએ તેને બ્રાઉન બનાવવા અને સફેદ ગોળને વધુ ચકચકાટ બનાવવા ફૂડ કલરનો ઉપયોગ કરાય છે. કાયદા મુજબ ગોળમાં ફૂડ કલર નાખી શકાય નહીં. પહેલા બંને બ્રાન્ડના ગોળના નમૂના લઈ ખાનગી લેબોરેટરીમાં પરીક્ષણ કરાવતાં તે નમૂના ફેલ થતાં બંને પેઢીઓ પર દરોડા પાડીને કાર્યવાહી કરવામાં આવી છે.
ગોળમાં રહેલો સિન્થેટિક કલર લીવર અને કિડની પર અસર કરે
ગોળમાં રહેલો સિન્થેટિક કલર એલર્જી, પેટની તકલીફ અને બાળકોમાં હાયપર એક્ટિવિટી જેવી સમસ્યાઓ ઊભી કરી શકે છે. સાથે લાંબા ગાળે સિન્થેટિક કલર લિવર અને કિડની પર અસર કરી ગંભીર બીમારીઓનું જાેખમ વધારી શકે છે – ડો.જય ચૌધરી, ફિઝિશિયન.
કેવી રીતે ખબર પડશે ગોળ અસલી છે કે નકલી? આ ૫ દેશી નુસખા અપનાવો
રંગથી ઓળખ : અસલી ગોળનો રંગ ઘાટો બ્રાઉન હોય છે અને ચમક થોડી ઓછી હોય છે. જાે આછો પીળો દેખાય તો કેમિકલવાળો હોઇ શકે.
પાણીથી ટેસ્ટ : ગ્લાસ પાણીમાં ગોળનો ટુકડો નાંખો. જાે સફેદ પડ તળિયે જામી જાય તો તે નકલી છે.
સ્વાદ : ગોળ કડવો અથવા તીખો લાગે છે, તો તે નકલી હોઈ શકે છે.
ભાગીને ઓળખ : કેમિકલવાળો ગોળ ભાગતાં જ વિખેરાઈ જાય છે.
સુગંધ : અસલ ગોળમાં કુદરતી મીઠી સુગંધ હોય છે, જ્યારે ભેળસેળ વાળા ગોળમાં તીવ્ર ગંધ હોય છે.

