Gujarat

વર્લ્ડ ઇકોનોમિક ફોરમની વાર્ષિક બેઠક ૨૦૨૬માં ઇન્ડિયન પેવેલિયનનું ઉદ્ઘાટન

સ્વિત્ઝર્લેન્ડના દાવોસ ખાતે વર્લ્ડ ઇકોનોમિક ફોરમની ૫૬મી વાર્ષિક બેઠક ૧૯થી ૨૩ જાન્યુઆરી ૨૦૨૬ દરમિયાન યોજાઇ રહી છે. આ વાર્ષિક બેઠકમાં ગુજરાત તરફથી નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં રાજ્યનું પ્રતિનિધિમંડળ પહોંચ્યું છે. અહીં ઇન્ડિયા પેવેલિયન અંતર્ગત દેશના ૧૦ રાજ્યોના પ્રતિનિધિમંડળ હાજર છે, જેઓ ભારતમાં રોકાણ માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના વિઝનને રજૂ કરીને રોકાણકારો સાથે ચર્ચા કરશે.

ગુજરાત તરફથી નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, ગુજરાત સૌભાગ્યશાળી છે કે શરૂઆતથી જ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના વિઝનરી નેતૃત્વનો લાભ મળ્યો છે અને ૨૦૧૪ બાદ સમગ્ર દેશ તેમના નેતૃત્વમાં વિકાસ કરી રહ્યો છે. અત્યારે વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં ભારતનું સૌથી મોટું અને મજબૂત ડેલિગેશન જાેવા મળ્યું છે અને જ્યારે અમે વહેલી સવારે અહીં પહોંચ્યા, ત્યારે સમગ્ર દુનિયા વિશ્રામમાં હતી પરંતુ ભારતના રાજ્યોના ડેલિગેશન સક્રિય રીતે રોકાણકારો સાથે મીટિંગમાં ઓતપ્રોત હતા. આ અમારી પ્રતિબદ્ધતા, અમારી કાર્ય સંસ્કૃતિ અને દેશના લોકો પ્રત્યે અમારા નેતૃત્વનું સમર્પણ દર્શાવે છે.

રોકાણ માટે ગુજરાતની ક્ષમતાને ઉજાગર કરતા શ્રી હર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યું કે, ગુજરાતમાં રોકાણની મજબૂત પરંપરા રહી છે. વાયબ્રન્ટ ગુજરાત ૨૦૨૪માં રાજ્યમાં ?૪૫ લાખ કરોડના એમઓયુ થયા હતા અને છેલ્લા ત્રણ મહિનામાં વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ અંતર્ગત રાજ્યમાં ?૧૧ લાખ કરોડથી વધુના ઇન્વેસ્ટમેન્ટ ઇન્ટરેસ્ટ આવ્યા છે. તેમણે જણાવ્યું હતું કે ગુજરાતનું પ્રતિનિધિમંડળ અહીં કંઇક નવું શીખવા અને નવી તકોને જાણવા માટે આવ્યું છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આપણે અલગ અલગ રાજ્યોના ડેલિગેશન તરીકે અહીં નથી આવ્યા પરંતુ એક દેશ તરીકે એક જ એજન્ડા સાથે અહીં હાજર છીએ. આપણે સૌ આપણા કૌશલ્ય, આપણી ક્ષમતાઓ અને આપણું ગવર્નન્સ અહીં રજૂ કરીશું. ગુજરાત રાજ્ય આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડિફેન્સ, ટેક્સ્ટાઇલ પાર્ક્સ, ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સ અને ઇનોવેટિવ ફાઇનાન્સિંગ સહિતના ક્ષેત્રોમાં નવી તકોનું અન્વેષણ કરી રહ્યું છે.