સામાન્ય રીતે 31st ડિસેમ્બર અને નવા વર્ષના સ્વાગતની વાત આવે એટલે મગજમાં લાઉડ મ્યુઝિક, ડિસ્કોબાર, પશ્ચિમી ડાન્સ અને મોડી રાતની પાર્ટીઓના દ્રશ્યો તરવરવા લાગે છે, પરંતુ આ વર્ષે જૂનાગઢ જિલ્લાના કેશોદમાં કંઈક અલગ જ નજારો જોવા મળ્યો. કેશોદના આંગણે પશ્ચિમી સંસ્કૃતિને બાજુમાં મૂકીને આપણી ભવ્ય ભારતીય સંસ્કૃતિ અને પ્રાચીન પરંપરા મુજબ નવા વર્ષને વધાવવામાં આવ્યું હતું.

ઢોલના ધબકારે અને રાસ-ગરબાના તાલે નવા વર્ષની શરૂઆત કેશોદમાં ‘રમઝટ ગ્રુપ’ દ્વારા આયોજિત આ અનોખી ઇવેન્ટમાં આધુનિક સંગીતને બદલે ઢોલના ધબકારે અને રાસ-ગરબાના તાલે નવા વર્ષની શરૂઆત કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ થઈને નાની વયના બાળકોથી માંડીને વયોવૃદ્ધ લોકો સુધીના તમામ નાગરિકો ઉત્સાહભેર જોડાયા હતા. લોકસંસ્કૃતિની સુગંધ વચ્ચે તાળીઓના ગુંજારવ સાથે જ્યારે ગરબાની રમઝટ જામી, ત્યારે વાતાવરણ ભક્તિમય અને સાંસ્કૃતિક બની ગયું હતું.

યુવા પેઢીને વેસ્ટર્ન કલ્ચરના પ્રભાવથી મુક્ત કરી સંસ્કૃતિ તરફ વાળવા પ્રયાસ આ આયોજન પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય આજની યુવા પેઢીને વેસ્ટર્ન કલ્ચરના પ્રભાવમાંથી મુક્ત કરી ફરી એકવાર પોતાની જડ (સંસ્કૃતિ) તરફ વાળવાનો હતો. કાર્યક્રમના આયોજક પરમાર વિશાલે માહિતી આપતા જણાવ્યું હતું કે, “કેશોદના આંગણે અમે આ એક નાનકડો સાહસ કર્યો છે.

અત્યારની યુવા પેઢી જે રીતે વેસ્ટર્ન ડાન્સ અને ડિસ્કો તરફ ઢળી રહી છે, તેને ફરી આપણી સનાતન સંસ્કૃતિ અને વર્ષો જૂની રાસ-ગરબાની પરંપરાનું મહત્ત્વ સમજાય તે માટે આ ‘રમઝટ ગ્રુપ’ દ્વારા ઇવેન્ટ ગોઠવવામાં આવી હતી.વિશાલે વધુમાં ઉમેર્યું હતું કે, આ માત્ર મનોરંજનનો કાર્યક્રમ નહોતો પણ ભારતીયતાને ઉજાગર કરવાનો પ્રયાસ હતો. આ ઇવેન્ટમાં માત્ર કેશોદ જ નહીં, પણ સમગ્ર સૌરાષ્ટ્ર પ્રાંતના લોકો હોંશે હોંશે જોડાયા હતા. યુવાનોમાં ગરબા પ્રત્યેનો આ ક્રેઝ જોઈને એ સાબિત થયું કે જો યોગ્ય તક આપવામાં આવે તો નવી પેઢી આજે પણ પોતાની પરંપરાને ગર્વથી અપનાવવા તૈયાર છે.

