Gujarat

જામનગર દરિયાકાંઠે મરીન ટાસ્ક ફોર્સનું સઘન પેટ્રોલિંગ

પશ્ચિમ એશિયામાં અમેરિકા અને ઈરાન વચ્ચે પ્રવર્તી રહેલા તણાવને ધ્યાનમાં રાખીને ભારતની દરિયાઈ સુરક્ષા વધુ મજબૂત બનાવવામાં આવી છે. જામનગર મરીન ટાસ્ક ફોર્સ દ્વારા હાઈ એલર્ટની સ્થિતિમાં પણ દરિયાકાંઠે સઘન પેટ્રોલિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, જેથી કોઈ પણ પ્રકારની અસામાન્ય પરિસ્થિતિમાં ગાફેલ ન રહેવાય.

આ ખાસ ડ્રાઈવનું આયોજન ઉચ્ચ અધિકારીઓના સીધા માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. જેમાં એ.ટી.એસ. અને કોસ્ટલ સિક્યુરિટીના અધિક પોલીસ મહાનિર્દેશક અમિતકુમાર વિશ્વકર્મા, મરીન ટાસ્ક ફોર્સના પોલીસ મહાનિરીક્ષક પી.એલ. માલ અને મરીન ટાસ્ક ફોર્સ હજીરાના પોલીસ અધિક્ષક એસ.જે. પરમારનો સમાવેશ થાય છે. તેમનો ઉદ્દેશ દરિયાઈ સુરક્ષાને અભેદ્ય બનાવવાનો છે.

૧૭ માર્ચ, ૨૦૨૬ના રોજ જામનગર સેક્ટરના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.આર. યાદવ અને મરીન કમાન્ડો દ્વારા જામનગર જિલ્લાના સંવેદનશીલ દરિયાઈ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ વિસ્તારોમાં સરમતની નાળ, રસૂલનગર વિસ્તાર, સિક્કા સોલ્ટ ગેટ અને ડી.સી.સી. જેટી વિસ્તારનો સમાવેશ થાય છે.