બાંટવા ખારા ડેમમાંથી ઘેડ પંથકના ખેડૂતોના શિયાળુ પાક માટે 80.00 એમસીએફટી પાણીનો જથ્થો છોડવામાં આવ્યો છે. કુતિયાણા ધારાસભ્ય કાંધલ જાડેજાની રજૂઆતને પગલે સરકાર દ્વારા આ વર્ષે ખેડૂતોને નિશુલ્ક પાણીનો અમુક જથ્થો મંજૂર કરવામાં આવ્યો હતો. વહેલી સવારે પાંચ વાગ્યે બાટવા ખારા ડેમનો એક દરવાજો ખોલી પાણી છોડવામાં આવ્યું હતું.
આ પાણી છોડવાથી ઘેડ પંથકના થાપલા, રેવદ્રા, સમેગા, ધવલકા, તરખાય, મહિયારી સહિત અનેક ગામોના ખેડૂતોને તેમના શિયાળુ પાક માટે મોટો લાભ મળશે.દર વર્ષે શિયાળુ પાક દરમિયાન પાણીની અછત ઊભી થતી હોય છે.અગાઉ અનેક વખત તેઓ પોતાના ખર્ચે બાટવા ખારા ડેમમાંથી પાણી છોડાવવાની વ્યવસ્થા કરી ચૂક્યા છે. આ વર્ષે પણ ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખી સરકાર સમક્ષ અસરકારક રજૂઆત કરવામાં આવી હતી.
નીચાંણવાળા વિસ્તારોને એલર્ટ કરાયાં પાણી છોડવામાં આવતા તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યો હતો. થાપલા સહિતના ગામોને નદીના પટમાં ન ઉતરવા અને સાવચેતી રાખવા સૂચનાઓ આપવામાં આવી હતી. પાણી છોડવાના સમયે ધારાસભ્યના કાર્યકરો તથા અમુક ગામોના સરપંચો પણ ઉપસ્થિત રહ્યા હતા.

