Gujarat

ITRA જામનગરમાં બે દિવસીય આયુર્વેદ ફૂડ એક્સપો શરૂ

ભારત સરકારના આયુષ મંત્રાલય હેઠળની રાષ્ટ્રીય મહત્વની સંસ્થા, જામનગરની આયુર્વેદમાં શિક્ષણ અને સંશોધન સંસ્થા (ITRA) દ્વારા જામનગરની જનતા માટે “આયુરસવાદોત્સવ 2026” નામનો બે દિવસીય આયુર્વેદ આહાર-વાનગીને લગતો એક્સપો શરૂ કરવામાં આવ્યો છે.

આજે ધન્વંતરિ મેદાન ખાતે ITRA સવાદોત્સવ એક્સપોનું ઉદ્ઘાટન પ્રણામી ધર્મની આચાર્ય પીઠ નવતનપુરી ધામના કૃષ્ણમણીજી મહારાજના વરદ્દ હસ્તે થયું હતું. આ પ્રસંગે ભારત સરકારના ચીફ કન્ટ્રોલર ઓફ એકાઉન્ટ, આરોગ્ય પરિવાર કલ્યાણના જસપાલ કૌર, ડૉ. જોગીન જોશી, ગુલાબકુંવરબા સોસાયટીના કીર્તિભાઈ ફોફરીયા અને WHO GTMC ના ટેકનિકલ ઑફિસર ડૉ. વિનયકુમાર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

આઈ.ટી.આર.એ.ના ડાયરેક્ટર પ્રો. તનુજા નેસરીએ જણાવ્યું કે ITRA ફાર્મસી શિક્ષણ વિભાગને 25 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે, ત્યારે આ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આયુર્વેદના સિધ્ધાંતોને આધારે વિવિધ પ્રકારના ખાનપાનના વ્યંજનોનો લાભ મેળવી શકાશે. સાથે જ ફાર્મસીના હાલના અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા આયુર્વેદ આધારિત ઉત્પાદિત હર્બલ અને કોસ્મેટિક ચીજવસ્તુઓનું પ્રદર્શન સહ વેચાણ પણ ઉપલબ્ધ છે.

30 હજાર ફૂટ જગ્યામાં વિશાળ એ.સી. ડોમ અને ૩૨ પેગોડા (તંબુ)માં યોજાનાર આ આયુર્વેદ એક્સપોમાં ૫૨ જેટલા સ્ટોલ છે. અહીં 150 પ્રકારની વિવિધ વાનગીઓ લોકોને સ્વાદ અને સ્વાસ્થ્યની દિવાનગી જગાવી રહી છે. લાઈવ ફૂડ આઈટમ, પેકેજ ફૂડ આઈટમ, સૂપ, સ્ટાર્ટર, આરોગ્યપ્રદ પીણાં, આયુર્વેદ રેસીપી, કોસ્મેટીક અને હેલ્થ પ્રોડક્ટ્સનો પણ એક અલગ વિભાગ છે, જેમાં ITRAના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા કરાયેલા સ્ટાર્ટઅપ અને ઇનોવેશનની ચીજવસ્તુઓનું વેચાણ પણ ઉપલબ્ધ છે.

આ એક્સપો ભારત સરકારના વિવિધ પ્રકલ્પો જેવા કે વોકલ ફોર લોકલ, સ્ટાર્ટઅપ ઇન્ડિયા, મેઇક ઇન ઇન્ડિયા, વિકાસ ભી વિરાસત ભી, હર ઘર સ્વદેશી અને સ્કીલ ઇન્ડિયાને અનુમોદન અને પીઠબળ સમાન સાબિત થશે. આ એક્સપોની મુલાકાત લેનાર સૌ કોઈને આયુર્વેદ આહાર વિહાર, ખાનપાન, સ્વસ્થ જીવનશૈલી, પ્રકૃતિ પરીક્ષણ અને શ્રમ પરીક્ષણ કરી આપવામાં આવી રહ્યું છે.

આ દરમિયાન WHO GTMCની એક પ્રદર્શન ગેલેરી પણ તૈયાર કરવામાં આવી છે, જ્યાં મુલાકાતીઓને વૈશ્વિક કક્ષાએ પરંપરાગત ચિકિત્સાઓની માહિતી અને રોચક બાબતો વિશે WHO GTMC દ્વારા માહિતગાર કરવામાં આવી રહ્યા છે. આ એક્સપોના સંયોજક તરીકે પ્રો. જોબન મોઢા જવાબદારી નિભાવી રહ્યા છે.