જામનગર સાયબર સેલે બેંક ખાતા ભાડે આપી ઓનલાઈન છેતરપિંડી કરતી એક ગેંગનો પર્દાફાશ કર્યો છે. આ ગેંગે રૂ. 3.86 કરોડના ટ્રાન્ઝેક્શન દ્વારા છેતરપિંડી આચરી હતી. કાલાવડ, રાજકોટ અને ભાવનગરના 6 શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો છે, જેમાંથી ત્રણની ધરપકડ કરાઈ છે.
જામનગર સાયબર ક્રાઈમ સેલના પી.આઈ. એ.આઈ. ધાસુરા અને તેમની ટીમે (કાળુભાઈ ડાડુભાઈ, ભગીરથસિંહ જાડેજા, રાજુભાઈ સહિત) આ મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી. સોશિયલ મીડિયા દ્વારા લોકોના નાણાં પડાવી લેવાના પ્રકરણમાં આ ગેંગ સામે કાર્યવાહી કરવામાં આવી છે.
સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં નોંધાયેલા ગુનામાં કાલાવડ તાલુકાના નાની માટલી ગામના કનૈયાલાલ ખીમજીભાઈ સભાયા, રાજકોટના લાખાભાઈ રાણાભાઈ ઝાપડા અને રાજ મુકેશભાઈ ઝાપડા, તેમજ ભાવનગરના શૈલેષ મકવાણા, પ્રકાશ કાનમિયા અને આર્યન પટેલનો સમાવેશ થાય છે.
આ આરોપીઓએ જુદા જુદા બેંક ખાતા ભાડે આપીને ગેરકાયદેસર રીતે આર્થિક લાભ મેળવ્યો હતો. કુલ રૂ. 3,86,74,756 ના ટ્રાન્ઝેક્શન કરાવ્યા હતા, જે રકમ અન્ય લોકોના બેંક ખાતામાંથી છેતરપિંડી કરીને જમા કરવામાં આવી હતી. ત્યારબાદ આ રકમ સાયબર ફ્રોડ કરનાર મુખ્ય ગેંગ સુધી પહોંચાડવામાં મદદ કરી હતી.

