જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં શહેરમાં નવા ઓક્સિજન પાર્ક, ક્રિકેટ ગ્રાઉન્ડ અને ફૂટબોલ ગ્રાઉન્ડ બનાવવા માટે સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. આ નિર્ણયથી શહેરના રમતગમત પ્રેમીઓ અને ખેલાડીઓમાં આનંદની લાગણી છવાઈ છે.
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશ બી. કગથરાના અધ્યક્ષસ્થાને મળેલી આ બેઠકમાં કુલ 9 સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, કમિશનર ડી.એન. મોદી, ડેપ્યુટી કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલા, સિટી એન્જિનિયર ભાવેશભાઈ જાની અને ઇન્ચાર્જ આસિસ્ટન્ટ કમિશનર જીજ્ઞેશ નિર્મલનો સમાવેશ થાય છે.
કમિશનર દ્વારા રજૂ કરાયેલી અર્જન્ટ બિઝનેસ દરખાસ્તો પર વિચારણા કર્યા બાદ, સમિતિએ ભીમા વુડની સામે આવેલી કોન્ટ્રીબ્યુશન લેન્ડ પર નવું ક્રિકેટ ગ્રાઉન્ડ બનાવવા માટે સૈદ્ધાંતિક સ્વીકૃતિ આપી છે. આ ગ્રાઉન્ડ જામનગરમાં ક્રિકેટના વધતા ક્રેઝને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવશે.

આ ઉપરાંત, ફૂટબોલના ખેલાડીઓ માટે ટી.પી. સ્કીમ નં.1, ફાઈનલ પ્લોટ નં. 91 (પોલીસ હેડક્વાટર્સની પાછળ) ખાતે અત્યાધુનિક ફૂટબોલ ગ્રાઉન્ડ તૈયાર કરવાની દરખાસ્તને પણ મંજૂરી મળી છે. આ પ્રોજેક્ટ્સ દ્વારા યુવાધનને રમતગમત માટે યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડવાનો હેતુ છે.
વોર્ડ નંબર 5, અંબાવિજય સોસાયટી વી-માર્ટ પાસે આવેલા પ્લોટમાં ઓક્સિજન પાર્ક બનાવવાનું કામ પણ મંજૂર કરવામાં આવ્યું છે, જેનો અંદાજિત ખર્ચ રૂ. 144.85 લાખ થશે. આ માટે જામસતાજી શત્રુસલ્યસિંહજી મહારાજા સાહેબ-જામ સાહેબનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે. આ પાર્ક 16,066 ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલો હશે અને તેની પરિમિતિમાં કમ્પાઉન્ડ વોલ બનાવવામાં આવશે.

