રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી-2026ના કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી છે. જામનગર જિલ્લામાં 26 એપ્રિલે મતદાન અને 28 એપ્રિલે મતગણતરી યોજાશે. જિલ્લા વહીવટી તંત્રએ આદર્શ આચારસંહિતાનો ચુસ્ત અમલ શરૂ કરી દીધો છે અને ચૂંટણીલક્ષી તૈયારીઓ પૂર્ણ કરી છે.
જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર પી.બી. પંડ્યાએ પત્રકાર પરિષદમાં ચૂંટણી કાર્યક્રમની વિગતો આપી હતી. ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 11 એપ્રિલ 2026 છે. ફોર્મની ચકાસણી 13 એપ્રિલે થશે અને ઉમેદવારી પત્રો 15 એપ્રિલ સુધી પાછા ખેંચી શકાશે. જો પુનઃ મતદાનની જરૂરિયાત ઊભી થાય તો 27 એપ્રિલનો દિવસ અનામત રાખવામાં આવ્યો છે.

કલેક્ટર પી.બી. પંડ્યાના માર્ગદર્શન હેઠળ ચૂંટણી અધિકારીઓની નિમણૂક સહિતની પ્રક્રિયાઓ પૂર્ણ કરાઈ છે. જામનગર મહાનગરપાલિકા, પંચાયતો અને નગરપાલિકાના કુલ 9,88,807 મતદારો આ ચૂંટણીમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.
જામનગર મહાનગરપાલિકાના 16 વોર્ડમાં 4,42,829 મતદારો માટે 414 મતદાન મથકોની વ્યવસ્થા કરાઈ છે. જામનગર જિલ્લા પંચાયતની 24 બેઠકો અને 6 તાલુકા પંચાયતની 112 બેઠકો માટે 712 મતદાન મથકો પર 5,26,569 મતદારો મતદાન કરશે. સિક્કા નગરપાલિકાના 7 વોર્ડમાં 22 મતદાન મથકો પર 19,409 મતદારો નોંધાયા છે.

