જામનગરના સીટી એ. ડિવિઝન પોલીસે ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ અંતર્ગત એક પરિવારને તેમના ચોરાયેલા 9 લાખ રૂપિયાના ઘરેણાં પરત અપાવ્યા છે. અદાલતની મદદથી આ મુદ્દામાલ પરત મળતા પરિવારે પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.
આ ઘટના ગત 16 ઓક્ટોબર, 2025ના રોજ રાત્રિના સમયે બની હતી. જામનગરમાં રણજીતસાગર રોડ પર પટેલ પાર્ક પાછળ આવેલી વૃંદાવન સોસાયટી, શેરી નંબર-1માં રહેતા તરુણભાઈ મોહનભાઈ રાયઠઠ્ઠાના મકાનમાં ચોરી થઈ હતી. તસ્કરો તેમના ઘરમાંથી 9 લાખ રૂપિયાથી વધુ કિંમતના ઘરેણાં ચોરી ગયા હતા.

પોલીસે તપાસ હાથ ધરી ચોરને ઝડપી પાડ્યો હતો અને તેને અદાલતમાં રજૂ કર્યો હતો. ચોરાયેલા 9 લાખ રૂપિયાના ઘરેણાં સહિતનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો. અદાલતી કાર્યવાહી પૂર્ણ થયા બાદ અને અદાલતનો હુકમ મેળવી લીધા પછી, પોલીસે ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ હેઠળ તરુણભાઈ અને તેમના પરિવારને પોલીસ મથકે બોલાવી તેમના ઘરેણાં સુપરત કર્યા હતા.

