Gujarat

જામ્યુકોને મિલકત વેરાની 5.57 કરોડ સહિત 1 જ દિવસમાં રેકર્ડબ્રેક 6.35 કરોડ વેરાની આવક

જામનગર મહાનગરપાલિકા દ્વારા બાકી માતબર મિલકત વેરા અને પાણી વેરાની વસુલાત માટે દોઢેક માસથી 100 ટકા વ્યાજ માફી યોજનાનો લાભ આપવામાં આવી રહયો છે.જેમાં સોમવારે એક જ દિવસમાં મનપાને રાત્રી સુધીમાં બાકી મિલ્કત વેરા પેટે 5.57 કરોડ અને પાણી વેરા પેટે 78 લાખથી વધુ આવક સાથે કુલ 6.35 કરોડ જેવી રેકર્ડબ્રેક ધીંગી આવત થવા પામી હોવાનુ સુત્રોએ જણાવ્યુ હતુ.

જામનગર મહાનગરપાલિકા દ્વારા બાકી રોકાતી મિલ્કત વેરા અને પાણી વેરાની લેણી રકમ માટે છેલ્લા ત્રણેક માસથી ખાસ વસુલાત ઝુંબેશ સાથે દોઢ માસથી 100 ટકા વ્યાજમાફી યોજના પણ અમલી બનાવાઇ છે.જે યોજનાની મુદત 31મી માર્ચને મંગળવારના રોજ પુર્ણ થશે.સોમવાર સવાર સુધીમાં મનપાને મિલકત વેરાની 151.76 કરોડ અને પાણી વેરાની રૂા. 16.67 કરોડની વસુલાત મળી હતી.

જે દરમિયાન યોજનાના અંતિમ દિવસ દરમિયાન સોમવારે જ મનપાની મુખ્ય કચેરી સહિત જુદા જુદા પાંચ સિવિક સેન્ટર,મોબાઇલ કલેકશન વેન સહિતના સ્થળોએ મોટી સંખ્યામા઼ બાકીદાર આસામીઓ વેરો ભરવા ઉમટી પડયા હતા.જેમાં સોમવારે રાત્રી સુધીમાં મિલકત વેરા પેટે 5.57 કરોડ અને પાણી વેરા પેટે રૂા. 78 લાખથી વધુ સાથે એકજ દિવસમાં રેકર્ડબ્રેક રૂા. 6.35 કરોડની આવક(વસુલાત) મળી હતી.આજે અંતિમ દિવસે મધરાત સુધી મનપા દ્વારા વિવિધ નિયત સ્થળોએ વેરા વસુલાતની કામગીરી યથાવત રહેશે.

જામનગર મહાનગર પાલિકાના કમિશ્ન્ર ડી.એન. મોદીએ પણ સવારે યોજનાનો મહત્તમ બાકીદારોએ લાભ લઇ બાકી વેરો ભરપાઇ કરી શહેરના વિકાસમાં યોગદાન આપવા અનુરોધ પણ કર્યો હતો.અન્યથા શિક્ષાત્મક કાર્યવાહીનો પણ ભોગ બનવુ પડી શકે છે.