જામનગરના ચાંદી બજાર વિસ્તારમાં આવેલી જુમ્મા મસ્જિદની ઓફિસમાંથી ગત તા. 16 નવેમ્બર, 2025ની રાત્રિના ₹75,000ની રોકડ રકમની ચોરી થઈ હતી. પોલીસે આ ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે અને એક આરોપીની અટકાયત કરી તેની પાસેથી ચોરાયેલી સંપૂર્ણ રકમ કબજે કરી છે
જામનગર સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એન.એ. ચાવડાના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફે તપાસ હાથ ધરી હતી. મસ્જિદ ટ્રસ્ટની મુખ્ય ઓફિસના કબાટમાંથી થયેલી આ ચોરી અંગે પોલીસે ઘટનાસ્થળના સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ એનાલિસિસના આધારે કાર્યવાહી કરી હતી.
પેટ્રોલિંગ દરમિયાન પોલીસ સ્ટાફને મળેલી બાતમીના આધારે, નૂરી ચોકડી, અન્નપૂર્ણા મંદિરના ગેટ સામે રોડ પરથી આરોપી મોહમ્મદહુસેન મોહમ્મદમુતકા સિદ્દીકી (ઉંમર 43, રહે. નાગપુર વોરાની ચાલી, રાજપુર, ગોમતીપુર, અમદાવાદ)ને પકડી પાડવામાં આવ્યો હતો. પોલીસે તેની પાસેથી ચોરી થયેલા ₹75,000 રોકડા કબજે કર્યા હતા.

