જૂનાગઢમાં મહાશિવરાત્રી મેળામાં ગત વર્ષની તુલનામાં આ વર્ષે ભાવિકોની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો છે, ત્યારે તેની અસર એસટી વિભાગની આવક પર પણ પડી છે. રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાંથી આ પર્વ દરમિયાન એક્સ્ટ્રા 30 બસો અને 180 ટ્રિપનું સંચાલન કરવાની તૈયારી હતી. જોકે 119 ટ્રીપ દોડી અને 5.73 લાખની આવક થઈ.
ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે મહાશિવરાત્રિના પાંચ દિવસ દરમિયાન એક્સ્ટ્રા બસ થકી 6.50 લાખની આવક થઈ હતી. જેથી કમાણીમાં રૂપિયા 76,558 નો ઘટાડો થયો છે. જો કે, જૂનાગઢ શિવરાત્રિના મેળાના 11થી 15 ફેબ્રુઆરી એમ 5 દિવસ દરમિયાન રાજકોટ એસટી વિભાગને રૂપિયા 3.51 કરોડની કમાણી થઈ છે.
રાજકોટ એસટી વિભાગના ટ્રાફિક કન્ટ્રોલર એચ. આર. કટારાએ જણાવ્યું હતું કે, જૂનાગઢ મહાશિવરાત્રિના પર્વને અનુલક્ષીને 180 એક્સ્ટ્રા ટ્રિપ દોડાવવાની તૈયારી રાખવામાં આવી હતી. જોકે આ વર્ષે શિવરાત્રિમાં ગત વર્ષની તુલનામાં ટ્રાફિક ઘટ્યો છે. જેની અસર સ્વરૂપે આ તહેવાર દરમિયાન રાજકોટ એસટી વિભાગને એક્સ્ટ્રા બસ થકી થતી આવકમાં રૂ.76,558 નો ઘટાડો થયો છે. શિવરાત્રિમાં એક્સ્ટ્રા બસ થકી ગત વર્ષે રૂ.6.50 લાખની આવક થઈ હતી. જેની સામે આ વખતે રૂ.5.73 લાખની આવક થઈ છે.

