વિવાદોનું બીજું નામ બનેલી કીર્તિ પટેલની જૂનાગઢ પોલીસ દ્વારા રાજસ્થાનમાંથી ધરપકડ કરી લેવામાં આવી છે. જૂનાગઢમાં સાત દિવસમાં તેની સામે ત્રણ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પોલીસ કીર્તિ પટેલને રાજસ્થાનથી લાવીને જૂનાગઢ પહોંચી હતી. ત્યાર બાદ તેને સિવિલ હોસ્પિટલ લઈ જવાઈ હતી. જ્યાં તેનું મેડીકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું. રાજસ્થાનના ઉદયપુરથી કીર્તિ પટેલની ધરપકડ કર્યા બાદ પોલીસે તેને મીડિયાથી દૂર રાખવા અને સુરક્ષાના કારણોસર ‘ડબલ રોલ‘ જેવી વ્યૂહરચના અપનાવી હતી. પહેલાં એક મહિલાને કીર્તિ પટેલ જેવા જ કપડાં પહેરાવી નકલી કીર્તિ ઉભી કરી હતી. તેને મોઢું બાંધેલી હાલતમાં બતાવી હતી. ત્યાર બાદ અસલી કીર્તિને બતાવી હતી. નકલી કીર્તિના હાથ પર કોઈ બ્રેસલેટ પણ નથી જાેવા મળતા જ્યારે અસલી કીર્તિ હાથ પર બ્રેસલેટ છે. તેને અલગ-અલગ બે પોલીસ ગાડીઓમાં લઈ જવામાં આવી હતી.
જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને. તેમજ નકાબ વિનાની કીર્તિના વીડિયો પણ દિવ્ય ભાસ્કરે મેળવ્યા હતા. જેમાં કીર્તિ હોવાનું સ્પષ્ટ થઈ ગયું હતું.આ મામલે ડીવાયએસપી રવિરાજસિંહ પરમારે જણાવ્યું હતું કે, ધાર્મિક લાગણી દુભાવવાના ગુનાને લીધે કીર્તિ પટેલ પર હુમલો થવાની કે જાનનું જાેખમ હોવાની શક્યતા હતી, તેથી સુરક્ષાના હેતુસર તેનું મોઢું ઢાંકીને લઈ જવામાં આવી હતી.
જાેકે, ડબલ રોલ ઊભો કરવાના પ્રશ્ન પર પોલીસે સ્પષ્ટ જવાબ આપવાને બદલે સુરક્ષા અને ન્યાયિક પ્રક્રિયાના ઝડપી નિકાલનો તર્ક રજૂ કર્યો હતો. તપાસની વિગતો આપતા ડીવાયએસપીએ વધુમાં જણાવ્યું કે, ગત તારીખ ૨૧ ફેબ્રુઆરી ૨૦૨૬ ના રોજ અબજલ સીડા દ્વારા તાલુકા પોલીસ સ્ટેશનમાં કીર્તિ પટેલ વિરુદ્ધ ૨૦ લાખની ખંડણી માંગવા, ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપવા અને જાનથી મારી નાખવા અંગે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

