Gujarat

ભરૂચમાં નવા ધનવંતરી આરોગ્ય રથનું લોકાર્પણ

ભરૂચ જિલ્લામાં બાંધકામ શ્રમિકો માટે આરોગ્ય સુવિધાઓ સુલભ બનાવવાના હેતુથી નવા ધનવંતરી આરોગ્ય રથ અને મોબાઇલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું છે.

ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ તથા ઈએમઆરઆઈ ગ્રીનહેલ્થ સર્વિસના સહયોગથી આ રથ શરૂ કરાયો છે. જિલ્લા પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદીયા સહિતના મહાનુભાવોએ રથને લીલીઝંડી આપી પ્રારંભ કરાવ્યો હતો.

આ ધનવંતરી આરોગ્ય રથ ભરૂચ જિલ્લાની વિવિધ બાંધકામ સાઇટો અને કડિયાનાકા વિસ્તારોમાં જઈ શ્રમિકોને નિઃશુલ્ક આરોગ્ય સેવાઓ પૂરી પાડશે. તેમાં તાવ, શરદી-ખાંસી જેવી સામાન્ય બીમારીઓ માટે દવાઓ, સગર્ભા મહિલાઓની તપાસ, જનરલ ચેકઅપ અને લેબોરેટરી દ્વારા લોહીના ટેસ્ટ જેવી સેવાઓનો સમાવેશ થાય છે. ભરૂચ જિલ્લામાં અગાઉથી ૮ ધનવંતરી આરોગ્ય રથ કાર્યરત હતા. આ નવા રથના ઉમેરા સાથે, જિલ્લામાં આરોગ્ય સેવાઓ વધુ વ્યાપક બનશે.

આ લોકાર્પણ પ્રસંગે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ આરતી પટેલ, કારોબારી સભ્ય ધર્મેશ મિસ્ત્રી, આરોગ્ય કમિટીના ચેરમેન અનિલ વસાવા અને જંબુસર તાલુકા પંચાયતના પ્રમુખ નીતિન પટેલ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડના નિરીક્ષક પી.કે. પટેલ અને પ્રોજેક્ટ મેનેજર કીંજલ પટેલ સહિતના અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા.