Gujarat

રાજકોટના રાયડીમાં દીપડા દેખાયો – ભેંસના બચ્ચાનું મારણ, ખેડૂતોમાં ભય

રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકાના રાયડી ગામ અને આસપાસના વિસ્તારોમાં દીપડાના આંટાફેરાથી ગ્રામજનો અને ખેડૂતોમાં ભયનો માહોલ છે. દીપડાએ એક ભેંસના બચ્ચાનું મારણ કર્યું હોવાનું સામે આવ્યું છે.

મળતી માહિતી મુજબ, રાયડી સાથે અડવાળ અને સનાળા ગામની સીમમાં દીપડો જોવા મળ્યો છે. સીમ વિસ્તારમાં દીપડાએ ભેંસની એક પાડીનું મારણ કર્યું હતું. મારણ થયેલી જગ્યાની આસપાસ દીપડો ફરી રહ્યો હોવાના સીસીટીવી ફૂટેજ પણ વાયરલ થયા છે.

દીપડાની હાજરીને કારણે ખાસ કરીને વહેલી સવાર અને સાંજના સમયે ખેતરમાં જતા ખેડૂતો અને મજૂરોમાં ભય ફેલાયો છે. ગ્રામજનો દ્વારા વન વિભાગને જાણ કરવામાં આવતા તંત્ર હરકતમાં આવ્યું છે. વન વિભાગ દ્વારા સમગ્ર સીમ વિસ્તારમાં પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે અને સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. અધિકારીઓએ જણાવ્યું કે જરૂર જણાશે તો દીપડાને પકડવા માટે પાંજરું મુકવાની પણ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.