Gujarat

લ્યો બોલો!: ૧૧૪ આઉટસોર્સિંગ કર્મીઓને છૂટા કરાયા છતાં પગાર ખર્ચ ૨૮ કરોડ

મહાનગરપાલિકા દ્વારા વર્ગ-૩માં આઉટસોર્સિંગથી ફરજ બજાવતા ક્લાર્ક સંવર્ગના ૧૧૪ કર્મચારીઓને એકસાથે ૧ નવેમ્બરથી છૂટા કરવામાં આવ્યા છે. જેના પરિણામે આઉટસોર્સિંગનો ખર્ચ ઘટવાની શક્યતા હતી પરંતુ આશ્ચર્યજનક રીતે આઉટસોર્સિંગનો ખર્ચ બજેટ જાેગવાઇ સામે ૭ કરોડ વધ્યો છે.

જેથી રીવાઇઝ બજેટમાં આરકમની જાેગવાઇ કરવી પડી છે. કાયમી કર્મચારીઓ આવ્યા બાદ બમણા પગાર ખર્ચના ભારણનું કારણ આપીને મહાપાલિકાએ આઉટસોર્સ કર્મીઓને છૂટા કર્યા હતા પરંતુ નવેમ્બરથી ૧૧૪ કર્મચારીઓના પગારનું ભારણ બંધ થઇ ગયું છે છતાં આઉટસોર્સ કર્મીઓના પગાર ખર્ચ પેટે ૭ કરોડ રૂપિયા અંદાજ સામે વધ્યા છે. એટલું જ નહીં નવી ભરતી થવાથી અન્ય સંવર્ગના આઉટસોર્સિંગ કર્મચારીઓને પણ તબક્કાવાર છૂટા કરવાનું આયોજન છે. જેથી નવા નાણાકીય વર્ષમાં પગાર ખર્ચમાં ઘટાડો થવો જાેઇએ પરંતુ મ્યુનિસિપલ કમિશનરે તૈયાર કરેલા બજેટમાં આઉટસોર્સિંગ કર્મીઓના પગાર ખર્ચમાં વર્ષ ગત જાેગવાઇ સામે પણ ૩ કરોડની વધુ જાેગવાઇ કરાઇ છે.

આ ઉપરાંત મહાનગરપાલિકા દ્વારા આઉટસોર્સિંગ સિક્યોરીટી ગાર્ડના ખર્ચમાં પણ ધરખમ વધારો કરવામાં આવ્યો છે. મહાનગરપાલિકાની કચેરી, મેયર- કમિશનર બંગલો, બાગ- બગીચા અને જાહેર સ્થળોએ પાર્કિંગ સહિતની કામગીરી માટે સિક્યોરિટી ગાર્ડ મૂકવામાં આવ્યા છે. જેનો ૯ કરોડ રૂપિયાનો વાર્ષિક ખર્ચ આવ્યો છે.

વર્ષ ૨૦૨૬-૨૭માં પણ ૯ કરોડની જાેગવાઇ કરવામાં આવી છે. બીજીતરફ ભરતી ખર્ચમાં જાેગવાઇ સામે ૫૦ ટકાનો ઘટાડો થયો છે. વર્ષ દરમિયાન વિવિધ સંવર્ગની જગ્યાઓની મોટી સંખ્યામાં ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હોવા છતાં બજેટમાં ભરતી ખર્ચ પેટે કરાયેલી ૪ કરોડની જાેગવાઇમાંથી વર્ષ દરમિયાન ૨ કરોડનો ખર્ચ થયો છે. વર્ષ ૨૦૨૬-૨૭માં ભરતી ખર્ચ પેટે ૫૦ લાખની જાેગવાઇ કરાઇ છે.