ગુજરાતમાં સામાન્ય જનતાને સરકારી કામકાજ માટે નોકરી-ધંધામાં રજા પાડીને ધક્કા ખાવા ન પડે એ માટે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ મુખ્યમંત્રી સમક્ષ એક નવતર પ્રસ્તાવ મૂક્યો છે. તેમણે ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને માગ કરી છે કે રાજ્યમાં મામલતદાર, તાલુકા પંચાયત અને ગ્રામપંચાયત જેવી જનતા સાથે સીધી જોડાયેલી કચેરીઓનો સમય બદલીને ‘બપોરના 2થી રાત્રિના 9 વાગ્યા’ સુધીનો કરવો જોઈએ. ઈટાલિયાએ એ પણ ઉલ્લેખ કર્યો છે કે જો પોલીસ સ્ટેશન અને ટોલનાકા જેવી વ્યવસ્થાઓ રાત-દિવસ ચાલુ રહી શકતી હોય, તો જનતાના હિત માટે વહીવટી કચેરીઓ રાત્રે 9 વાગ્યા સુધી કેમ ચાલુ ન રાખી શકાય?
અરજદારોને આર્થિક નુકસાન અને રજાની ઝંઝટમાંથી મુક્તિ મળશેઃ ઈટાલિયા ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ પત્રમાં જણાવ્યું છે કે હાલમાં સરકારી કચેરીઓનો સમય સવારના 10થી સાંજના 6 વાગ્યા સુધીનો હોય છે.

આ સમયગાળામાં સામાન્ય માણસ પોતાની નોકરી, મજૂરી કે ખેતીકામમાં વ્યસ્ત હોય છે. નાનામાં નાના દાખલા કે સરકારી કામ માટે અરજદારે પોતાના કામમાંથી રજા પાડવી પડે છે. જો કામ એક દિવસમાં ન થાય તો વારંવાર રજા લેવી પડે છે, જેના કારણે ગરીબ અને મધ્યમવર્ગના લોકોને આર્થિક નુકસાન વેઠવું પડે છે. જો કચેરીઓ રાત્રે 9 વાગ્યા સુધી ચાલુ હોય, તો લોકો કામ પતાવીને નિરાંતે પોતાના સરકારી કામ કરી શકે.
ગોપાલ ઈટાલિયાએ પત્રમાં ખાસ કરીને મામલતદાર અને પ્રાંત કચેરી, તાલુકા અને ગ્રામપંચાયત કચેરી, નગરપાલિકા અને મહાનગરપાલિકાની ઝોન ઓફિસો અને વીજળી વિભાગ (GEB/PGVCL)ની કચેરીઓ કચેરીઓના સમયમાં ફેરફાર કરવા સૂચન કર્યું છે.

