રાજકોટ-અમદાવાદ હાઈવે પર ચોટીલા પાસે હિરાસરમાં સ્થિત રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટના લોકાર્પણના અઢી વર્ષ બાદ પણ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ શરૂ ન થતા રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ભારતના કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને રજૂઆત કરવામાં આવી છે.
અમદાવાદની ફોરેનર્સ રિજિયોનલ રજિસ્ટ્રેશન ઓફિસની ટીમ દ્વારા બબ્બે વખત સર્વે થયા બાદ પણ ઈમિગ્રેશન ક્લિયરન્સ આપવામાં ન આવતા ઇન્ટરનેશનલ ફ્લાઇટ શરૂ થઈ શકી નથી. ઈન્ડિગોએ રાજકોટથી દુબઈ અને બેંગકોક માટેની ફ્લેટ શરૂ કરવા તૈયારી બતાવવામાં આવી છે, ત્યારે ઇમિગ્રેશન ક્લિયરન્સને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા મંજૂરી આપવામાં આવે તેવી માગ કરવામાં આવી છે. આ દરમિયાન હાલમાં રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી આશરે 26 જેટલી ડોમેસ્ટીક ફલાઈટોનું આવન-જાવન થઈ રહ્યું છે.
રાજકોટ ગ્રીનફિલ્ડ ઈન્ટરનેશનલ એરપોર્ટનું નિર્માણ થયાને આશરે સવા બે વર્ષ થઈ ગયા હોય ઈન્ટરનેશનલ ફલાઈટો એક પણ ઉડાન ભરી રહી નથી. ત્યારે ઈન્ડીગો એરલાઈન્સ સાથે મૌખીક ચર્ચા થયા મુજબ તેઓ રાજકોટ-દુબઈ અને રાજકોટ-બેન્કોક માટેની ફલાઈટ શરૂ કરવા માટે તૈયાર છે પરંતુ ઈમીગ્રેશનની સુવિધા ઉપલબ્ધ ન હોવાને કારણે તે શક્ય બની રહ્યું નથી.

