ગુજરાતમાં દારૂબંધી હોવાને કારણે બૂટલેગરો અવનવા કિમીયા અજમાવી હેરાફેરી કરતા હોય છે. જોકે પોલીસ દ્વારા સમયાંતરે બૂટલેગરોનાં વિવિધ કિમીયાનો પર્દાફાશ કરાતો હોય છે. ત્યારે રાજકોટ PCBએ વિદેશી દારૂની હેરાફેરીનાં વધુ એક કિમીયાનો પર્દાફાશ કર્યો છે. જેમાં લોખંડના બેરલમાં લાકડાના પાવડરની આડમાં છુપાવી લઈ જવાતો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે. આ દારૂનો જથ્થો રાજસ્થાનથી મોરબી ખાતે મોકલવામાં આવી રહ્યો હતો, જેને રાજકોટ પોલીસની સતર્કતાને કારણે સફળતાપૂર્વક પકડી લેવામાં આવ્યો છે.
દારૂની બોટલો ભરી તેની ઉપર લાકડાનો પાવડર પાથરી દીધો પોલીસ દ્વારા કરવામાં આવેલી આ કામગીરીની વિગત મુજબ, પી.સી.બી.ના જવાનો જ્યારે શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન મળેલી ચોક્કસ અને સંયુક્ત હકીકતના આધારે આ દરોડો પાડવામાં આવ્યો હતો.
તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, બૂટલેગરો દ્વારા દારૂની હેરાફેરી માટે અત્યંત ચાલાકીભરી પદ્ધતિ અપનાવવામાં આવી હતી. તેઓએ વાદળી રંગના લોખંડના નાના 28 બેરલોનો ઉપયોગ કર્યો હતો. આ બેરલોમાં ઇંગ્લીશ દારૂની બોટલો ભરી તેની ઉપર લાકડાનો પાવડર (વહેર) પાથરી દેવામાં આવ્યો હતો. જેથી બહારથી જોતા માત્ર લાકડાનો સામાન જ હોય તેવું લાગે.

પોલીસે રેડ દરમિયાન કુલ 174 બોટલ વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો આ બાતમીના આધારે વોચ ગોઠવીને પોલીસે દરોડો પાડ્યો હતો. આ સમગ્ર દરોડા દરમિયાન પોલીસે કુલ 174 બોટલ વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો છે. આ મુદ્દામાલની કુલ કિંમત રૂ. 6,22,680 આંકવામાં આવી છે. જપ્ત કરાયેલા દારૂના જથ્થામાં વિશ્વભરની જાણીતી બ્રાન્ડ્સનો સમાવેશ થાય છે.

