જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડ રોડ પર વહેલી સવારે પોલીસ પેટ્રોલિંગ દરમિયાન એક કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો છે. પોલીસને જોઈને કારચાલક વાહન છોડીને ફરાર થઈ ગયો હતો પ્રાપ્ત માહિતી અનુસાર, ગઈકાલે રાત્રે આશરે ચાર વાગ્યાના સુમારે હાપા માર્કેટિંગ યાર્ડ રોડ પર પોલીસ ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી. તે સમયે એક શંકાસ્પદ કાર પસાર થતાં પોલીસે તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો.
પોલીસને જોતા જ કારચાલક વાહનમાંથી ઉતરીને રાત્રીના અંધારાનો લાભ લઈ ભાગી છૂટ્યો હતો. પોલીસે રેઢી પડેલી કારની તલાશી લેતા તેમાંથી ૧૪ પેટીમાં કુલ ૧૬૮ નંગ વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. પોલીસે રૂપિયા ૧૦ લાખની કિંમતની GJ-3 MH-4590 નંબરની કિયા સેલ્ટોસ કાર અને રૂપિયા ૮૪,૦૦૦ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો છે. પોલીસે વાહનના નંબરના આધારે ફરાર કારચાલકની શોધખોળ હાથ ધરી છે.

