Gujarat

જામનગરમાં પેટ્રોલ પંપો પર લાંબી કતારો – અછતની અફવા ફેલાતા પેટ્રોલ પંપો પર અરાજકતા જેવી સ્થિતિ

જામનગર શહેરમાં છેલ્લા કેટલાક સમયથી પેટ્રોલ પંપો પર અરાજકતા જેવી સ્થિતિ જોવા મળી રહી છે. પેટ્રોલની અછતની અફવાઓ ફેલાતા વાહનોની લાંબી કતારો લાગી રહી છે. ગ્રાહકોને કલાકો સુધી રાહ જોવી પડે છે અને ત્યારબાદ પણ નિરાશા સાંપડી રહી છે.

રાજ્યમાં પેટ્રોલની અછત હોવાની અફવા ફેલાઈ છે. આ અંગ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ લોકોને અફવામાં ન દોરાવવા અપીલ કરી છે. રાજ્યમાં તમામ પેટ્રોલ પંપ પર પેટ્રોલ-઼ડીઝલનો જથ્થો મળતો રહે તે માટે સરકાર વ્યવસ્થા કરી રહી હોવાની વાત કરી છે. સંઘવીએ કહ્યું કે, લોકોએ અફવામાં આવી પેટ્રોલ પંપ પર લાઈનો લગાવવાની જરુર નથી.

પેટ્રોલ પંપ સંચાલકો દ્વારા હાલમાં મર્યાદિત જથ્થો આપવામાં આવતો હોવાની ફરિયાદો ઉઠી છે. ઘણા પેટ્રોલ પંપ પર ગ્રાહકોને તેમની જરૂરિયાત મુજબનું પેટ્રોલ આપવાને બદલે માત્ર 200 રૂપિયાનું જ પેટ્રોલ આપવામાં આવી રહ્યું હોવાનું પણ સામે આવ્યું છે.

આ મર્યાદાને કારણે વાહનચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકો તેમની ટાંકી ફૂલ કરાવવા કે લાંબા અંતરની મુસાફરી માટે પેટ્રોલ મેળવવા માંગે છે, પરંતુ પંપ પર ‘સ્ટોક ઓછો છે’ તેમ કહીને તેમને પરત મોકલવામાં આવી રહ્યા છે. ઓફિસ જતા લોકો અને વિદ્યાર્થીઓનો કિંમતી સમય પણ પેટ્રોલ મેળવવા માટે લાંબી લાઈનોમાં ઉભા રહેવાથી બગડી રહ્યો છે.

સ્થાનિક વાહનચાલકોનું કહેવું છે કે, જો પેટ્રોલનો જથ્થો પૂરતો ન હોય તો તંત્ર દ્વારા વહેલી તકે જાણ કરવી જોઈએ અથવા સપ્લાય વ્યવસ્થિત કરવી જોઈએ. અત્યારે જે સ્થિતિ છે તેનાથી સામાન્ય જનતા ખૂબ જ પરેશાન છે.