સુરેન્દ્રનગર પોલીસે ‘નેત્રમ’ સીસીટીવી કેમેરાની મદદથી બે મુસાફરોની ખોવાયેલી બેગ શોધી કાઢી તેમને પરત કરી છે. આ કામગીરી દ્વારા પોલીસે પ્રશંસનીય ઉદાહરણ પૂરું પાડ્યું છે.
પ્રથમ ઘટનામાં, ભાવનાબેન વઢવાણ બસ સ્ટેન્ડથી રિક્ષામાં બેસી સુરેન્દ્રનગરની શિવ હોટેલ ખાતે ઉતર્યા હતા. આ દરમિયાન તેઓ પોતાની બેગ રિક્ષામાં ભૂલી ગયા હતા. આ બેગમાં અગત્યના દસ્તાવેજો, એટીએમ કાર્ડ અને રૂ. 2,000 રોકડા હતા.
ભાવનાબેને ‘નેત્રમ’ ખાતે જાણ કરતા, સીસીટીવી ફૂટેજની મદદથી રિક્ષાનો રજીસ્ટ્રેશન નંબર GJ-13-AV-5332 ઓળખી કાઢવામાં આવ્યો. ત્યારબાદ પોલીસે રિક્ષાચાલકનો સંપર્ક કરીને ભાવનાબેનને તેમની બેગ તમામ કિંમતી સામાન સાથે પરત કરી.

બીજી ઘટના મોરબીના મોહનભાઈ બહાદુરભાઈ લીંબડીયા સાથે બની હતી, જેઓ લગ્ન પ્રસંગમાં મોરબીથી સુરેન્દ્રનગર આવ્યા હતા. તેમની નવા કપડાં ભરેલી બેગ જવાહર ચોકથી પતરાવાળી વચ્ચેના રસ્તા પર પડી ગઈ હતી.
આ અંગે ‘નેત્રમ’ને જાણ થતા, સીસીટીવી કેમેરાની મદદથી મોહનભાઈના રૂટ પર તપાસ કરવામાં આવી. બેગ લેનાર રિક્ષાચાલકને શોધી તેનો સંપર્ક કરીને મોહનભાઈને પણ તેમની બેગ સફળતાપૂર્વક પરત મળી.

