જામનગર શહેરમાં મહાવીર જયંતિ નિમિત્તે જૈન સમાજ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે વિવિધ ધાર્મિક કાર્યક્રમો અને રથયાત્રાનું આયોજન કરાયું હતું.

શહેરના 26 જૈન સંઘોની સંયુક્ત રથયાત્રા ચાંદી બજારમાં આવેલા શેઠજી દેરાસરથી શરૂ થઈ હતી. આ યાત્રા પેલેસ દેરાસર ખાતે સમાપ્ત થઈ.

રથયાત્રામાં ચાંદીના રથો, સાયકલિસ્ટ બાળકો, 13 ફૂટના કાર્ટૂન પાત્રો, વેશભૂષા કરેલા બાળકો, જામનગર-નાસિક બેન્ડ અને ચામર નૃત્ય કરતા યુવાઓ જોડાયા હતા.

રથયાત્રા શેઠજી દેરાસરથી શરૂ થઈ સજુબા સ્કૂલ પાસેના પારસ ધામ, બેડી ગેટ, ટાઉન હોલ, લાલ બંગલા સર્કલ, પોપટ પારશી પેઢી પાસેના સમેત શિખરજી દેરાસર, ગુરુદ્વારા રોડ, જી.જી. હોસ્પિટલ અને ડીકેવી સર્કલ થઈ પેલેસ રોડના દેરાસર ખાતે સમાપ્ત થઈ હતી.

જૈન દર્શન ઉપાસક સંઘ (પેલેસ) દ્વારા ગુરુ ભગવંતોની ઉપસ્થિતિમાં ભક્તામર પાઠ, પક્ષાલ પૂજા અને કેસર પૂજાનું આયોજન કરાયું હતું. બપોરે ૨:૩૦ વાગ્યે બહેનોના મંડળ દ્વારા પંચકલ્યાણક પૂજા યોજાઈ હતી.

