Gujarat

બહુચરાજીમાં ચૈત્રી આઠમે માતાજીની શાહી સવારી નીકળી

શક્તિ, ભક્તિ અને આરાધનાના પર્વ સમાન ચૈત્રી નવરાત્રીનું શક્તિપીઠ બહુચરાજીમાં વિશેષ મહત્વ રહેલું છે. ચૈત્રી નવરાત્રીના પવિત્ર દિવસોમાં આઠમના અવસરે માતાજીની ભવ્ય શાહી સવારી નીકળી હતી.જેમાં મોટી સંખ્યામાં ઉમટી પડેલા ભક્તોએ માતાજીના પાવનકારી દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ પ્રસંગે રાત્રે ૧૨ કલાકે માતાજીના ગર્ભગૃહમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે નવખંડ પલ્લી ભરવામાં આવી હતી.

‘બોલ મારી બહુચર‘ના નાદ સાથે માતાજી નગરચર્યાએ નીકળ્યા

બહુચરાજી મંદિરમાં વર્ષમાં કુલ ૧૫ વખત માતાજીની પાલખી યાત્રા નીકળતી હોય છે, પરંતુ ચૈત્રી આઠમની શાહી સવારીનું વિશેષ મહત્વ છે. નિજ મંદિરથી સવારી નીકળે તે પૂર્વે માતાજીની વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવી હતી. ત્યારબાદ પોલીસ જવાનો દ્વારા માતાજીને શાહી ઠાઠ સાથે ‘ગાર્ડ ઓફ ઓનર‘ આપવામાં આવ્યું હતું. બેન્ડવાજાના સૂર અને ‘બોલ મારી બહુચર‘ના ગગનભેદી નાદ સાથે માતાજી નગરચર્યાએ નીકળ્યા હતા અને ભક્તોને સામે ચાલીને દર્શન આપ્યા હતા.

માતાજીની સવારીને ગાર્ડ ઓફ ઓનર આપવાની પ્રથા

ચૈત્ર માસને દૈવી શક્તિની ઉપાસનાનો માસ માનવામાં આવે છે અને તેમાં પણ આઠમના દિવસે પૂજા કરવાનું વિશેષ ફળ મળતું હોવાની માન્યતા છે. આ પરંપરા સાથે વડોદરાના ગાયકવાડ રાજવીઓની અતૂટ શ્રદ્ધા જાેડાયેલી છે. ગાયકવાડી શાસનકાળથી ચાલી આવતી પરંપરાઓ આજે પણ અહીં જીવંત છે.જેમાં માતાજીની સવારીને ગાર્ડ ઓફ ઓનર આપવાની પ્રથા મુખ્ય છે.

ગર્ભગૃહમાં નવખંડ પલ્લીનો ભોગ ધરાવ્યો

મધ્યરાત્રિએ ૧૨ કલાકે વિદ્વાન ભૂદેવો દ્વારા કરવામાં આવેલા મંત્રોચ્ચાર વચ્ચે ગર્ભગૃહમાં નવખંડ પલ્લીનો ભોગ ધરાવવામાં આવ્યો હતો. આ અલૌકિક અને દિવ્ય દર્શનનો લાભ લેવા માટે અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતના ખૂણેખૂણેથી માઈભક્તો ઉમટી પડ્યા હતા. મંદિરના નાયબ વહીવટદાર સુરેશભાઈ ઠાકોર અને પૂજારી જનકભાઈ જાેષીના જણાવ્યા અનુસાર આ દિવસે શક્તિની આરાધના કરવાથી ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે. સમગ્ર બહુચરાજી પંથક આજે ભક્તિમય માહોલમાં રંગાયું હતું.