Gujarat

ગુજરાતની ‘વોટર વોરિયર‘ સ્કૂલ બની મહેસાણાની તક્ષશિલા

માત્ર ૪ લાખમાં વેડફાતા વરસાદી પાણીમાંથી તૈયાર કર્યું પીવાલાયક પાણી

મહેસાણા જિલ્લાની તક્ષશિલા શાળા ગુજરાતમાં જળ સંરક્ષણનું એક અનોખું અને પ્રેરણાદાયી ઉદાહરણ બની છે. માત્ર ૪ લાખ રૂપિયાના ખર્ચે અમલમાં મૂકાયેલા રેઈન વોટર હાવેર્સ્ટિંગ પ્રોજેક્ટ દ્વારા આ શાળાએ વેડફાતા વરસાદી પાણીને પીવાલાયક બનાવી, ૮૦૦થી વધુ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને ૮ મહિના સુધી શુદ્ધ પીવાનું પાણી પૂરું પાડ્યું છે. ચોટીલાની મુલાકાત દરમિયાન મળેલા આઈડિયાને અમલમાં મૂકીને શાળા સંચાલકોએ દર્શાવ્યું છે કે, ઓછા ખર્ચે પણ પર્યાવરણ અને બાળકોના સ્વાસ્થ્ય માટે મોટી ક્રાંતિ શક્ય છે. આ પ્રયાસ અન્ય સ્કૂલો માટે પણ જળ સંરક્ષણનું એક મજબૂત મોડેલ બની રહ્યું છે.

ઉત્તર ગુજરાતમાં મહેસાણા જિલ્લામાં ઉનાળા દરમિયાન અમુક સ્કૂલોમાં પીવાના પાણી માટે બાળકોએ મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે ત્યારે મહેસાણાના સરદારધામ ઔદ્યોગિક વિસ્તારમાં આવેલી એક શાળાએ રેઈન વોટર હાવેર્સ્ટિંગની મદદથી પીવાના પાણીના પ્રશ્નનો હલ લાવી દીધો છે. સ્કૂલ દ્વારા પટાંગણમાં જ ૨૫-૨૫ હજાર લિટરની કેપેસિટીના ચાર ટાંકા બનાવી ૧ લાખ લિટર વરસાદી પાણીનો સંગ્રહ થાય છે, જેનો ૯૦૦ વિદ્યાર્થીઓ ૮ મહિના સુધી લાભ લઈ શકે છે. તક્ષશિલા સ્કૂલે સામાન્ય ખર્ચમાં જ વરસાદી પાણીના સંગ્રહની સુવિધા વિકસાવી અન્ય શાળાઓને પણ આ દિશામાં આગળ વધવા રાહ ચીંધી છે. તક્ષશીલા સ્કૂલના શિક્ષક પુનિત ઠક્કરે આ પ્રોજેક્ટ વિશે વાત કરતા જણાવ્યું કે, વરસાદી પાણીના સંગ્રહ માટે સ્કૂલની આસપાસ ૪ ટાંકા તૈયાર કરવામાં આવ્યા છે, જેમાં સંગ્રહ થયેલા વરસાદી પાણીનો અમે પીવામાં ઉપયોગ કરીએ છીએ. આ ૪ ટાંકા કુલ ૧ લાખ લિટર વરસાદી પાણીનો સંગ્રહ કરી શકે છે, એક ટાંકાની કેપેસિટી ૨૫ હજાર લિટરની છે.

જૂના સમયમાં જે પ્રકારે કેપ્સૂલ આકારના બાયોગેસ પ્લાન્ટ તૈયાર થતા તેને કદાચ આપણે યાદ કરીએ તો તે પ્રકારના ટાંકા બનાવવામાં આવ્યા છે. વધુમાં તેઓએ જણાવ્યું કે, અમે કેળવણીના ક્ષેત્રમાં હોવાના કારણે અલગ-અલગ જગ્યાએ મુલાકાત લેવાનું થાય તો ચોટીલાથી નજીક ઢેંઢુકી નામનું એક ગામ છે.ત્યાં ખૂબ જ સુંદર કામ થઈ રહ્યું છે. લોકમિત્રા ઢેંઢુકી એક ટ્રસ્ટ છે જેમાં ચૈત્નય ભટ્ટ અને તેની ટીમ દ્વારા આસપાસના ૧૦ ગામોમાં આ પ્રકારે પાણીના ટાંકા જાેવાના થયા કે જ્યા વરસાદી પાણીનો સંગ્રહ થાય છે. ત્યાં પાણીની ખૂબ જ તંગી છે જેના કારણે ત્યા આ પ્રકારે પાણીની સમસ્યાનું સમાધાન લાવવામાં આવેલુ છે અને ત્યાંથી અમને આ મેસેજ મળ્યો કે આ પ્રકારે ટાંકા તૈયાર કરીને પીવાનું પાણી તૈયાર કરી શકીએ.

કઈ રીતે કરે છે ૧ લાખ લિટર વરસાદી પાણીનો સંગ્રહ?

મહેસાણા GIDC વિસ્તારમાં આવેલી તક્ષશિલા સ્કૂલના મેનેજમેન્ટ દ્વારા વરસાદી પાણીના સંગ્રહ માટે સ્કૂલના પટાંગણમાં જ ૨૫-૨૫ હજાર લિટરની ખાસ ટાંકી તૈયાર કરી છે. મહત્વની વાત એ છે કે, આ ટાંકી બનાવવા માટે લોખંડનો એકપણ જગ્યાએ ઉપયોગ કરાયો નથી. આ ટાંકીઓમાં વરસાદી પાણી લાવવા માટે સ્કૂલ બિલ્ડિંગની અગાશી પરથી ટાંકી સુધી પાઈપ ઉતારવામાં આવી છે. ટાંકીમાં પાણી પહોંચે તે પહેલા આ પાણી એક કુંડીમાં ફિલ્ટર પણ કરવામાં આવે છે અને ફિલ્ટર થયા બાદ જ પાણીનો સંગ્રહ થાય છે. આ સંગ્રહ કરાયેલા પાણીને ફરીથી એક પાઈપ દ્વારા અગાશી પર લઈ જવામાં આવે છે, જ્યાં એક ટાંકીમાં જરુરિયાત મુજબ પાણી સ્ટોર કરી પીવા માટે ઉપયોગ કરવામાં આવે છે.