Gujarat

જામનગરમાં મીની વાવાઝોડું-વરસાદ,અનેક હોડિંગ્સ-વૃક્ષો ધરાશાયી‎

જામનગર સહિત હાલારમાં ભારે પવન સાથે છુટાછવાયા વરસાદની હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુરૂવારે બપોરે જામનગર ઉપરાંત દ્વારકા, કાલાવડ,લાલપુર, જામજોધપુર પંથકમાં મીની વાવાઝોડા સાથે કમૌસમી વરસાદ ખાબકયો હતો.જયારે ધ્રોલ, જોડીયા, ખંભાળિયા, ભાણવડ અને કલ્યાણપુરમાં ઝંઝાવાતી પવન સાથે હળવા છાંટા વરસ્યા હતા.

જામનગર શહેરમાં પરોઢીયે ભારે પવન ફુંકાયા બાદ વાતાવરણ થોડા કલાકો શાંત રહયા પછી ફરી બપોરે શરૂ થયેલા મીની વાવાઝોડાએ અડધો કલાકથી પણ મુકામ કરતા બે ડઝનથી વધુ સ્થળોએ વૃક્ષો ધરાશાયી થયા હતા.જયારે શહેરના જુદા જુદા વિસ્તારોમાં વીજતાર તુટી પડયા હતા.બપોરે એક તબકકે શહેરના પોણા ભાગના વિસ્તારોમાં વીજ પુરવઠો પણ ગુલ થઇ જવા પામ્યો હતો.

જામનગરમાં બપોરે સાડા ત્રણ વાગ્યાના સુમારે તોફાની પવન શરૂ થયો હતો જે બાદ થોડીવારમાં જ મીની વાવાઝોડાનુ સ્વરૂપ ધારણ કર્યુ હતુ.એકાએક ગોરંભાયેલા આભ વચ્ચે ઝંઝાવાતી પવનથી જનજીવન પણ સ્તબ્ધ્ બની ગયુ હતુ.લગભગ પોણો કલાક સુધી ભારે પવન વચ્ચે હળવા વરસાદી ઝાપટા પડયા હતા.

જે દરમિયાન શહેરમાં અનેક સ્થળોએ વૃક્ષો સાથે વીજ તાર તુટી પડયા હતા.જે સાથે શહેરના પોણા ભાગના વિસ્તારોમાં વીજ પુરવઠો પણ ગુલ થઇ જવા પામ્યો હતો.ધુળની ડમરીઓ વચ્ચે ઝંઝાવાતી પવનના કારણે શહેરના અમુક બહુમાળી બિલ્ડીંગોના કાચ પણ તુટ્યા હતા.જયારે અનેક વૃક્ષો સાથે વીજ તારનો પણ સોથ વળી ગયો હતો.