જામનગર જિલ્લાના પ્રભારી મંત્રી અને વન, પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાના અધ્યક્ષસ્થાને ૬ માર્ચના રોજ જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા અને શહેરના વિકાસ કાર્યોની સમીક્ષા માટે ઉચ્ચ અધિકારીઓ સાથે સંકલન બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં મંત્રીએ જામનગરના પ્રગતિ હેઠળના વિવિધ પ્રકલ્પોની ઝીણવટભરી સમીક્ષા કરી હતી અને વહીવટી તંત્રને સમયમર્યાદામાં કામો પૂર્ણ કરવા જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

આ બેઠકમાં લાલપુર-જામજોધપુરના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમત ખવાએ હાજરી આપી હતી. તેમણે પોતાના મતવિસ્તારમાં પડતર પ્રશ્નો અને વિકાસના કામો અંગે રજૂઆતો કરી હતી.ધારાસભ્ય ખવાએ ઝીણાવારી ગામે નવા ચેકડેમ બનાવવા માટે જરૂરી જમીન સંપાદન અને સર્વેની કામગીરી તાત્કાલિક શરૂ કરવા સૂચન કર્યું હતું, જેથી જળસંચયનો લાભ મળી શકે.
તેમણે ફોરેસ્ટ ક્લિયરન્સના કારણે અટકેલા જામજોધપુર-લાલપુર તાલુકાના રસ્તાઓ (ઘુંનડાથી ટેભડા, લાલવાડા નેસથી ઉદેપુર સતાપર રોડ, લાલપુર ખટિયા રોડ અને મોટી ભરડથી ભરડકી રોડ) વહેલી તકે પૂર્ણ કરવા રજૂઆત કરી હતી.ખેડૂતોને હાઈટેન્શન વીજ લાઇન પસાર કરતી ખાનગી કંપનીઓ દ્વારા મહત્તમ વળતર મળે તે માટે DLPC સમિતિની રચના કરી પારદર્શી રીતે ભાવો નક્કી કરવા પણ તેમણે માંગ કરી હતી.
વર્ષોથી પડતર રહેતા જમીન માપણીના કેસોનો નિકાલ લાવી ખેડૂતોને પડતી મુશ્કેલીઓ દૂર કરવા અને સૌની યોજનાથી વંચિત રહી ગયેલા ગામોમાં સર્વે કરી સિંચાઈ અને પીવાના પાણીનો લાભ આપવા પણ રજૂઆત કરવામાં આવી હતી.

