Gujarat

સગીરા પર દુષ્કર્મ, ઇન્સ્ટાગ્રામની મિત્રતા ભારે પડી

ગીર સોમનાથના મુખ્ય મથક વેરાવળમાં સગીર વયની દીકરી પર દુષ્કર્મની ગંભીર ઘટના સામે આવતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. આરોપીએ મહેંદી શીખવા જતી સગીરાને પ્રેમજાળમાં ફસાવી તેની મજબૂરી અને એકલતાનો દૂરોપયોગ કર્યો હતો. પોલીસે 19 વર્ષીય આરોપીને ગણતરીની કલાકોમાં ઝડપી પાડી કાયદાનું ભાન કરાવ્યું છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, ભોગ બનનાર સગીરા ઓનલાઇન મહેંદી ક્લાસ શોધતી હતી. આ દરમિયાન ઇન્સ્ટાગ્રામ પર તેની મુલાકાત વેરાવળમાં જ રહેતી અને મહેંદી શીખવતી અન્ય એક સગીરા સાથે થઈ હતી. પીડિતા ત્યાં મહેંદી શીખવા જતી હતી. આ દરમિયાન મહેંદી શીખવનાર સગીરાનો ભાઈ મહમદ સીરાજ ઇમરાનભાઈ ચૌહાણ (ઉં.વ.19)એ પીડિતા સાથે ઇન્સ્ટાગ્રામ પર મિત્રતા કેળવી વાતચીત શરૂ કરી હતી.

આશરે 15 દિવસ પૂર્વે જ્યારે પીડિતા હંમેશ મુજબ મહેંદી શીખવા માટે આરોપીના ઘરે ગઈ હતી. ત્યારે, આરોપી મહમદ સીરાજે રૂમમાં એકલતાનો લાભ લીધો હતો. તેણે સગીરાને વાતોમાં ફસાવી, તેની સાથે બળજબરી કરી કુકર્મ આચર્યું હતું.

આ ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે, પીડિતાના પરિવારે સગીરાનાા મોબાઈલમાં તેનો આરોપી સાથેનો ફોટો જોયો. પરિવારે આ અંગે કડકાઈથી પૂછપરછ કરતાં પીડિતા ભાંગી પડી અને પોતાની સાથે થયેલી આપવીતી માતાને જણાવી હતી. દીકરીની વાત સાંભળીને જાણે માતાના પગ નીચેથી જમીન સરકી ગઇ હતી. ચોંકી ઉઠેલી માતાએ તાત્કાલિક વેરાવળ સિટી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.